કટ્ટરપંથી ઇરાકી સંગઠનનું ભયાનક એલાન
પશ્ર્ચિમ એશિયામાં વધી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાકના એક કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જાનથી મારવા માટે 10 મિલિયન ડોલર આશરે 83 કરોડ રૂપિયાથી વધુના ઈનામની જાહેરાત કરીને સમગ્ર વિશ્ર્વમાં સનસનાટી મચાવી દીધી છે. સંગઠને સત્તાવાર નિવેદન જાહેર કરીને ટ્રમ્પને ’અહંકારી અને આક્રમક’ ગણાવ્યાં છે. આ ઈનામ રાખવા પાછળનું મુખ્ય કારણ જાન્યુઆરી 2020માં અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયેલાં ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાની અને અબુ મહદી અલ-મુહંદિસના મોતનો બદલો લેવાનું જણાવવામાં આવ્યું છે. આ જાહેરાત બાદ અમેરિકી સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ અત્યારે તેનાં ચરમસીમા પર છે. તાજેતરમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલાં હવાઈ હુમલાઓમાં ઈરાનમાં ભારે નુકસાન થયું છે અને ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં વેપારી જહાજો પર થયેલાં હુમલાઓએ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જી દીધી છે. આ મામલે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે કડક પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનાં આતંકવાદને સહન નહીં કરે. જોકે, ઈરાકી સંગઠન દ્વારા આપવામાં આવેલી આ ખુલ્લી ચેતવણીએ વૈશ્ર્વિક સ્તરે રાજદ્વારી પ્રયાસોને મોટો ઝટકો આપ્યો છે.