આંદોલન ભારતના યુવાઓના ગુસ્સાનું પ્રતીક બન્યું: ન્યુયોર્ક ટાઈમ્સ
નીટ પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે છેલ્લા એક મહિનાથી ઉપવાસ આંદોલન પર બેઠેલા કોકરોચ જનતા પાર્ટી સીજેપીના છાત્ર દેખાવકારોએ કરેલી સંસદ માર્ચ અને પોલીસે કરેલા લાઠીચાર્જની ઘટનાએ માત્ર દેશભરમાં જ નહીં દુનિયાભરમાં પડઘા પાડયા છે. દુનિયાના વિદેશી મીડીયાએ આ ઘટનાની નોંધ લીધી છે.
બ્રિટનના અખબાર ‘ધી ગાર્ડિયન’ એ હેડલાઈનમાં લખ્યું છે- કોકરોચ જનતા પાર્ટીના હજારો દેખાવકારોએ દિલ્હીમાં માર્ચ કાઢીને પોલીસના આદેશનું ઉલ્લંઘન કર્યુ. બીબીસીએ સેંકડોથી હજારો સુધી ભારતના ‘કોકરોચ’ વિરોધી આંદોલન કેવી રીતે વધ્યું તે નામથી સ્ટોરીને એશિયા સેકશનના પેજ પર જગ્યા આપી, અમેરિકાની એબીસી ન્યુઝે પણ લખ્યું- દેખાવકારોએ નવી દિલ્હીની વચ્ચોવચ્ચ આવેલ વિરોધ સ્થળની ચારે બાજુ લાગેલા સુરક્ષા બેરીકેડ તોડાવાની કોશીશ કરી. પોલીસના રોકવા છતાં એક દેખાવકારોએ સંસદ તરફ માર્ચ કરી. અમેરિકી અખબાર ‘વોશિંગ્ટન પોસ્ટ’ એ લખ્યું- ભારતના યુવા નેતૃત્વ વાળા કોકરોચ આંદોલનના સમર્થકોને સંસદ તરફની માર્ચ રોકવા માટે પોલીસે આંસુ ગેસનો ઉપયોગ કર્યો. ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ એ લખ્યું- માત્ર બે મહિના પહેલા સ્થાપિત એક જમીની આંદોલન છે અને ભારતના યુવાનોના ગુસ્સાનું પ્રતિક બની ગયું છે.