નીરવ મોદીને વધુ નહીં સંઘરે બ્રિટન

નીરવ મોદીને વધુ નહીં સંઘરે બ્રિટન
(પ્રતિનિધિ દ્વારા) લંડન,તા.16
હજારો કરોડ રૂપિયાના કૌભાંડના આરોપી નીરવ મોદીને આખરે ભારત લાવવાનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે. સીબીઆઈ મુજબ, બ્રિટનના ગૃહ મંત્રીએ મોદીના પ્રત્યર્પણને લીલી ઝંડી બતાવી દીધી છે. પંજાબ નેશનલ બેંકને લગભગ 12 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવી લંડનમાં જઈને બેઠેલા નીરવ મોદીએ ત્યાંની કોર્ટમાં પ્રત્યર્પણથી બચવા ઘણા હવાતિયાં માર્યા હતા. જોકે, ફેબ્રુઆરીમાં કોર્ટે તેની સામે પૂરતા પુરાવા હોવાની વાત માની હતી
અને તેની બધી દલીલોને ફગાવી દીધી હતી.
નીરવે બચવા માટે કોર્ટમાં માનસિક સ્વાસ્થ્યનું કારણ આગળ ધર્યું હતું, પરંતુ કોર્ટે કહ્યું કે, આવી પરિસ્થિતિમં તે અસામાન્ય નથી. જજે જણાવ્યું કે, નીરવ મોદીને મુંબઈની આર્થર રોડ જેલમાં પૂરતી સારવાર અપાશે અને માનસિક સ્વાસ્થ્યની દેખરેખ પણ કરાશે. જજે કહ્યું કે, નીરવ મોદીને ભારત મોકલવા પર આત્મહત્યાનો કોઈ ખતરો નથી, કેમકે તેમની પાસે આર્થર રોડ જેલમાં પૂરતી સારવાર સુવિધા ઉપલબ્ધ છે.
ફોબ્ર્સ મુજબ, 2017માં નીરવ મોદીની કુલ સંપત્તિ 180 કરોડ ડોલર (લગભગ 11,700 કરોડ રૂપિયા) હતી. નીરવ મોદીની કંપનીનુ હેડક્વાર્ટર મુંબઈમાં છે. માર્ચ 2018માં નીરવ મોદીએ ન્યૂયોર્કમાં બેંકરપ્સી પ્રોટેક્શન અંતર્ગત અપીલ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ