ઉતરપ્રદેશ કોંગ્રેસની પ્રથમ યાદીમાં ઉન્નાવ રેપ પીડિતાના માતાને મળી ટીકીટ

નવી દિલ્હી,તા. 13
કોરોનાના આઈસોલેશનમાંથી બહાર આવ્યા બાદ પ્રિયંકા ગાંધીએ આજે ઉતરપ્રદેશમાં આજે 125 ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં 50 બેઠકો પર મહિલાઓને ટીકીટ આપી છે અને ખાસ કરીને તેઓએ ઉન્નાવ રેપ પીડિતાના માતા આશાસિંહને આ જ વિસ્તારની ટીકીટ આપીને સૌને આશ્ર્ચર્યમાં મુકી દીધા છે. જો કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના નેતાઓના સગા-સંબંધીઓના નામ ચમકી રહ્યા છે. કોંગ્રેસમાંથી કેટલાક નેતાઓ પક્ષ છોડી ગયા છે તેના પ્રતિભાવમાં સોનિયાએ કહ્યું કે આયારામ-ગયારામ દરેક ચૂંટણીમાં થાય જ છે અને દરેક પક્ષમાં થાય છે. અને આ એવી સ્થિતિ નથી કે જેનાથી કોઇ રાજકીય પક્ષે ચિંતા કરવા જેવું છે.

અમારા સાથી જતા હોય તો તે પડકાર ઉપાડવાથી ભાગી રહ્યા છે તે નિશ્ર્ચિત થાય છે. પ્રિયંકાએ જે ટીકીટની વહેચણી કરી તેમાં 50 બેઠકો પર મહિલા છે જેમાં ફરુખાબાદથી પક્ષના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદના પત્ની લુઇ ખુરશીદને ઉમેદવાર બનાવાયા છે. પ્રતાપપુર જિલ્લામાં રામપુર બેઠક પર આરાધના મિશ્રા મોનાને ટીકીટ અપાઈ છે જે કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીના પુત્રી છે. શાહજહાપુરથી આશા વર્કર પુનમ પાંડેને ટીકીટ આપવામાં આવી છે જેઓએ આશા વર્કરો માટે કામ કર્યું છે અને તેમને અનેક વખત પોલીસ સાથે સંઘર્ષ પણ કરવો પડયો હતો.

જ્યારે નોઇડા પ્રખુંડી પાઠક ચૂંટણી લડશે. ઉપરાંત જાણીતા મહિલાઓમાં મોહાનથી મધુ રાવત અને બાંગરમોઇથી આરતી વાજપાઈને ટીકીટ આપી છે. લખનૌ સેન્ટ્રલથી સદફજફરને ટીકીટ અપાઈ છે જે એનઆરસી આંદોલનમાં જેલમાં ગયા હતા જ્યારે સોનભદ્ર નરસંહાર પીડિતો માટે અવાજ ઉઠાવનાર ઉંભાને ટીકીટ આપવામાં આવી છે. હસ્તીનાપુરથી અર્ચના ગૌતમ કે જે અહીંની સેલેબ્રીટી છે તેને ટીકીટ અપાઇ છે.પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અમારું ચૂંટણી સૂત્ર ‘લડકી હું લડ શકતી હું’ હશે અને મહિલાઓ તેમના મત વિસ્તારમાં લોકપ્રિયતા મેળવશે અને ચૂંટાશે તેવી અમને ખાતરી છે.

રિલેટેડ ન્યૂઝ