શિવસેના MVA છોડવા તૈયાર, પરંતુ સંજય રાઉતે વિધાયકો સામે મૂકી આ શરત

બધા વિધાયકોની ઈચ્છા હશે તો અમે મહાવિકાસ આઘાડીમાંથી બહાર નીકળવા પર વિચાર કરવા માટે તૈયાર છીએ.

મહારાષ્ટ્રમાં રાજકારણનો હાઈવોલ્ટેજ ડ્રામા આજે પણ ચાલુ છે. આજે પણ અનેક વિધાયકો શિંદે જૂથમાં જોડાયા. આ પહેલા ગઈ કાલે સીએમ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી આવાસ છોડીને માતોશ્રી પહોંચી ગયા. ઠાકરેએ જો કે હજુ સીએમ પદ છોડ્યું નથી. પરંતુ તેમણે ઈશારામાં કહી દીધુ કે જો બળવાખોર ધારાસભ્યો તેમની સામે આવીને વાત કરે તો તેઓ તેના માટે પણ તૈયાર છે. આ બધા વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું.

શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે વિધાયકોએ ગુવાહાટીથી સંવાદ કરવો જોઈએ નહીં. તેઓ મુંબઈ પાછા ફરે અને સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે આ મુદ્દે ચર્ચા કરે. બધા વિધાયકોની ઈચ્છા હશે તો અમે મહાવિકાસ આઘાડીમાંથી બહાર નીકળવા પર વિચાર કરવા માટે તૈયાર છીએ. પરંતુ આ માટે તેમણે અહીં આવવું પડશે અને સીએમ સાથે ચર્ચા કરવી પડશે.

સંજય રાઉતે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે શિવસેનાના ધારાસભ્યોનું અપહરણ કરાયું છે. ફ્લોર ટેસ્ટ થયો તો અમારી જીત થશે. સંજય રાઉત ઉપરાંત શિવસેના ધારાસભ્ય નિતિન દેશમુખે પણ ફરીથી નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમને જબરદસ્તીથી સુરત લઈ જવાયા હતા. મે ભાગવાનો પ્રયત્ન કર્યો પરંતુ સુરત પોલીસે પકડી લીધો. કોઈ સમસ્યા ન હોવા છતાં, ડોક્ટરોએ મને કહ્યું કે હાર્ટ એટેક આવ્યો છે. 300-350 પોલીસકર્મીઓ મારા પર ધ્યાન રાખતા હતા. માર પહેલા પ્રકાશ અબિતકરે પણ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ન જઈ શક્યા. અમે જેવા સુરત પહોંચ્યા કે અમને મહાવિકાસ આઘાડી સરકાર વિરુદ્ધના ષડયંત્ર અંગે જાણ થઈ.

બીજી બાજુ સંજય રાઉતે એમ પણ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે જલદી વર્ષા બંગલામાં પાછા ફરશે. ગુવાહાટીમાંથી 21 વિધાયકોએ અમારો સંપર્ક કર્યો છે અને જ્યારે તેઓ મુંબઈ પાછા ફરશે ત્યારે તેઓ અમારી સાથે આવશે.
આ બાજુ એકનાથ શિંદે સાથે ગુવાહાટીમાં જે પણ ધારાસભ્યો છે તેમનો એક ગ્રુપ ફોટો અને વીડિયો પણ સામે આવ્યો છે. આ તમામ ધારાસભ્યો એકસાથે બેસીને સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે. એકનાથ શિંદે તુમ સંઘર્ષ કરો, હમ તુમ્હારે સાથ હૈના નારા લાગી રહ્યા છે. શિવસેનાના વિધાયકોની સાથે અપક્ષ વિધાયકો પણ સામેલ છે. જેમની કુલ સંખ્યા 42 જણાઈ રહી છે.

રિલેટેડ ન્યૂઝ