મહારાષ્ટ્ર : 10મા ધોરણમાં ભણતો કિશોર ગાય લાવ્યો અને દૂધ વેચીને લાખોપતિ બની ગયો

સંતોષ માણે દસમા ધોરણના વિદ્યાર્થી છે. સંતોષ 16 વર્ષની ઉંમરે એક ગાય લાવ્યા હતા અને તેનું દૂધ વેચીને લાખોપતિ બન્યા છે. તેઓ સાંગલીના જત તાલુકાસ્થિત કુલ્લાલવાડીમાં રહે છે. નાની વયે સંતોષે જે કરી બતાવ્યું છે તે અવિશ્વસનીય છે.

જત એવો વિસ્તાર છે જ્યાં હંમેશાં દુષ્કાળનો ખતરો રહે છે. જત તાલુકામાં રહેતા ઘણા પરિવારો દર વર્ષે શેરડીની લણણીની મજૂરી માટે સ્થળાંતર કરે છે. દશેરા બાદ એટલે કે ઑક્ટોબર આસપાસ શેરડીની લણણી શરૂ થાય છે. શેરડીની લણણી કરવા માટે કૉન્ટ્રેક્ટર્સ તેમને પસંદ કરીને લઈ જતા હોય છે. પેટ માટે લોકો પોતાનાં ઘરોને તાળાં મારીને બહારગામ મજૂરી કરવા જાય છે.

આવો જ એક પરિવાર સંતોષનો છે જેમાં તેમની સાથે તેમનાં માતા, પિતા, ભાઈ અને બે મોટી બહેનો છે.

કોરોનાની મહામારી દરમિયાન લૉકડાઉન શરૂ થયું હતું ત્યારે સંતોષ સાતમા ધોરણમાં ભણતા હતા. તેમનાં માતાપિતા શેરડીની લણણી કરવા મજૂરીઅર્થે જઈ રહ્યાં હતાં, એવામાં સંતોષે તેમના પિતાને કહ્યું કે તેઓ તેમને ગાય લાવી આપે જેનાથી તેઓ ઘર ચલાવવામાં મદદ કરી શકે.

પહેલા તેમના પિતાએ ના પાડી પણ પછી પૈસા આપ્યા. સંતોષે તેમાંથી એક ગાય ખરીદી.

સંતોષ કહે છે, “ગાયનું પાલનપોષણ ખૂબ સહેલું હતું. ગાય દિવસમાં ત્રણ વખત દૂધ આપે છે અને તેનું વેચાણ પણ સહેલું હતું. એટલે મેં મારા પપ્પાને કહ્યું કે ગાય લઈ આપો. “

“પહેલાં તેમણે ના પાડી. મેં તેમને આગ્રહપૂર્વક સમજાવ્યા તો તેમણે મને 65 હજાર રૂપિયા આપ્યા. તે પૈસા તેઓ શેરડીમાં મજૂરી કરીને કમાયા હતા. “

“એમાંથી મેં જર્સી ગાય ખરીદી. શરૂઆતમાં ગાય દિવસનું 24 લિટર દૂધ આપતી હતી. તે સમયે દૂધનો ભાવ ઓછો હતો અને આશરે 22 રૂપિયા જેવો હતો. એમ છતાં 5 હજાર રૂપિયાના ખર્ચને બાદ કરીને મને મહિનાના 9 હજાર રૂપિયા મળતા હતા.”

રિલેટેડ ન્યૂઝ