અદાણી ગ્રુપની તપાસ કોઈ સમિતિ નહીં સેબી કરી રહી છે: લોકસભામાં સરકારનો જવાબ

ગ્રુપ પર છેતરપિંડી-મની લોન્ડ્રરિંગ મામલે લોકસભામાં પહેલીવાર સરકારે આપ્યું નિવેદન: તપાસ માટે સરકાર દ્વારા કોઈ સમિતિ રચવામાં નથી આવી

નવીદિલ્હી, તા.14
અદાણી ગ્રુપને પર લાગેલા અને લાગી રહેલા આરોપો અંગે લોકસભામાં પહેલીવારે સરકારે નિવેદન આપ્યું છે. સરકારે કહ્યું કે આરોપોની તપાસ ચાલી રહી છે. આ તપાસ સેબી કરી રહી છે. સાથે સાથે એમ પણ જણાવ્યું કે આરોપીની તપાસ માટે કોઈ સરકારી સમિતિની રચના કરવામાં આવી નથી.
લોકસભામાં સરકારે એમ પણ કહ્યું કે હિન્ડનબર્ગ રિસર્ચ તરફથી પ્રકાશિત રિપોર્ટ બાદ અદાણી ગ્રુપનો હિસ્સો બનનારી નવ લિસ્ટેડ કંપનીઓના બજાર મૂડીરોકાણમાં અંદાજે 60%નો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ આ કંપનીઓના શેરોમાં ઉતાર-ચડાવની પ્રણાલીગત સ્તર ઉપર કોઈ મહત્ત્વપૂર્ણ અસર જોવા મળી રહી છે.કેન્દય્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે ઈન્ડોનેશિયાથી કોલસાની આયાતના મામલાની ડીઆરઆઈ દ્વારા અલગથી તપાસ ચાલી રહી છે. લોકસભામાં અદાણી મુદ્દે સાંસદો દ્વારા સરકારને અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા જેનો મંત્રીએ લેખિત જવાબ આપ્યો હતો. હિન્ડનબર્ગે 24 જાન્યુઆરીએ એક રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં અદાણી ગ્રુપ ઉપર છેતરપિંડી તેમજ નાણાંની હેરાફેરી સહિતના મોટા આરોપો લગાવ્યા હતા.અમેરિકી કંપનીએ આરોપ લગાવ્યો હતો કે અદાણી ગ્રુપ સ્ટૉક હેરફેર અને એકાઉન્ટની છેતરપિંડીમાં લાગેલું હતું તેમજ સ્ટૉકની કિંમતોને વધારવા માટે બનાવટી કંપનીનો ઉપયોગ કર્યો હતો. જો કે ગ્રુપે હિન્ડનબર્ગના તમામ આરોપોને ફગાવ્યા છે સાથે સાથે તેને ભારત પર સુઆયોજિત હુમલો પણ ગણાવ્યા હતા. અદાણી ગ્રુપ તરફથી વીજળી ઉત્પાદન અને ટ્રાન્સમિશન ઉપકરણોની આયાતમાં ડીઆરઆઈની તપાસ સાથે જોડાયેલા એક અલગ સવાલ ઉપર કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને રિપોર્ટ સંબંધિત અધિકારીઓ સુધી પહોંચી ગયો છે. જો કે તેમણે તપાસનો નિષ્કર્ષ શું નીકળ્યો તેને લઈને કોઈ ફોડ પાડ્યો નહોતો.અદાણી ગ્રુપની કંપનીઓમાં એલઆઈસીનું કરજ 31 ડિસેમ્બર-2022ના 6347 કરોડ રૂપિયાથી પાંચ માર્ચ સુધી મામૂલી રીતે ઘટીને 6183 કરોડ રૂપિયા થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)એ માહિતી આપી છે કે 31 ડિસેમ્બરે અદાણી ગ્રુપ ઉપર તેનું કરજ 6347.32 કરોડ રૂપિયા અને પાંચ માર્ચ-2023ના 6182.64 કરોડ રૂપિયા હતું. તેમણે કહ્યુંકે એલઆઈસીનું પાંચ માર્ચ સુધી અદાણી પોર્ટસ અને એસઈઝેડમાં 5388.60 કરોડ રૂપિયાનું કરજ છે. અદાણી પાવર (મુંદ્રા)માં 266 કરોડ રૂપિયા, અદાણી પાવર-મહારાષ્ટ્ર લિમિટેડ-1 (81.60 કરોડ), અદાણી પાવર-મહારાષ્ટ્ર લિમિટેડ-3 (254.87 કરોડ રૂપિયા), રાયગઢ એનર્જી જનરેશન લિમિટેડ (45 કરોડ રૂપિયા) અને રાયપુર એનર્જેન લિમિટેડમાં (145.67 કરોડ રૂપિયા)નું કરજ છે.

રિલેટેડ ન્યૂઝ