આરબીઆઈ 0.25 બેઝીક પોઈન્ટનો વ્યાજદર વધારે તેવો સંકેત: મોંઘવારીને ડામવા સરકાર અને આરબીઆઈ ઉંધે માથે
મુંબઈ તા.16
હાલમાં જ દેશની ટોચની રાષ્ટ્રીયકૃત સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા વ્યાજદરમાં કરાયેલા વધારા બાદ એપ્રિલ માસમાં રિઝર્વ બેંક ફરી એક વખત રેપોરેટમાં 0.25 બેઝીક પોઈન્ટનો વધારો કરી શકે છે અને તેના કારણે એપ્રિલ માસથી ફરી એક વખત ધિરાણ મોંઘા બનશે અને લોનના માસીક હપ્તા પણ વધી જશે. ફેબ્રુઆરી 2023માં છુટક મોંઘવારી દર 6.5 ટકા રહ્યો છે જેને કારણે રિઝર્વ બેંકની ચિંતા સતત વધી રહી છે. આ ઉપરાંત અમેરિકી માર્કેટમાં જે રીતે બેંકીંગ સ્થિતિ છે તે છતા અમેરિકી ફેડ વ્યાજદરમાં વધારો શકે છે અને તેના પગલે વિશ્ર્વમાં તમામ બેંકો ફરી એક વખત વ્યાજદર વધારશે. ભારતમાં આર્થિક નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ફુગાવો હજુ પણ રિઝર્વ બેંકની જે નિશ્ર્ચિત મર્યાદા છે તેની બહાર છે અને હવે બેંકો પર ફરી એક વખત ધિરાણ મોંઘુ કરવા દબાણ છે અને તેના પરિણામે જ સ્ટેટ બેંક દ્વારા વ્યાજદરમાં વધારાના સંકેત અપાયા બાદ અન્ય બેંકો પણ તેમાં વધારો કરશે તેવુ માનવામાં આવે છે. જો કે ઔદ્યોગીક સંગઠનો દ્વારા વ્યાજદર વધારો હવે રોકવા માંગણી થઈ છે અને તેથી આરબીઆઈ માટે પણ મુશ્કેલ સ્થિતિ બની છે.