શોપીંગ-બિલીંગ સમયે મોબાઈલ નંબર આપવા ફરજીયાત નથી: કેન્દ્ર સરકાર

ગ્રાહકની ઈચ્છા વિરુદ્ધ મોબાઈલ નંબર મેળવી શકાશે નહી: વ્યાપારી સમુદાયને આકરી ચેતવણી

નવી દિલ્હી: દેશમાં શોપીંગ મોલ અને અન્ય સ્ટોર્સમાં ખરીદી-બિલીંગ સમયે ગ્રાહકો પાસેથી મોબાઈલ નંબર જે રીતે માંગવામાં આવે છે અને પછી સ્ટોર્સની બિલીંગ-માર્કેટીંગ સહિતની સીસ્ટમમાં આ મોબાઈલ નંબર કાયમ માટે સ્ટોર થઈ જાય છે તેની સામે કેન્દ્ર સરકારે હવે કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે. કેન્દ્રના ગ્રાહક બાબતોના મંત્રાલયે સ્પષ્ટ કર્યુ છે કે ખરીદી-બિલીંગ સહિતના સમયે ગ્રાહકે તેના મોબાઈલ નંબર આપવા જરૂરી નથી અને શોપ-માલીક કે સંચાલક તે માંગી પણ શકે નહી અને હવે આ પ્રકારે મોબાઈલ નંબર માંગવા તે ફેયર-ટ્રેડ-પ્રેકટીસ-અનુચીત વ્યાપારીક વ્યવહાર ગણાશે.
ગ્રાહક બાબતોના મંત્રાલયના સચીવ રોહીતકુમાર સિંહે જણાવ્યું કે આ અંગે અસલી ફરિયાદો મળ્યા બાદ આ અનુચીત-વ્યાપારીક વ્યવહાર ગણાશે
અને આ પ્રકારે મોબાઈલ નંબર માંગવા એ કોઈ તર્કસંગત પણ નથી. મંત્રાલયે જણાવ્યું કે જો ગ્રાહકોની સંમતી ના હોય તો તેના મોબાઈલ નંબર માંગી શકાશે નહી.
સામાન્ય રીતે શોપીંગ મોલથી મોટા સ્ટોર્સમાં મોબાઈલ નંબર માંગવા એક સામાન્ય પ્રથા થઈ છે અને ગ્રાહકોને તેનો આધારે માર્કેટીંગ મેસેજ પણ મોકલવામાં આવે છે. જો કે તેમાં બ્લોક કરવાથી કે પછી આ પ્રકાર સંદેશ મેળવવા માંગતા નથી તેવું ગ્રાહક જણાવી તે બંધ કરાવી શકે છે છતાં પણ શોપીંગમાં મોબાઈલ નંબર આપવા એ સ્વૈચ્છીક છે. ગ્રાહક જો તે આપવા ઈન્કાર કરે તો તેને ફરજ પાડી શકાશે નહી. કેન્દ્ર સરકારે આ અંગે તમામ વ્યાપારી સંગઠનોને પણ એડવાઈઝરી મોકલવા નિર્ણય લીધો છે.

રિલેટેડ ન્યૂઝ