ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે અંતિમ વન-ડે: રનના ઢગલા થશે

આજે રાજકોટ એસસીએના ખંઢેરી સ્ટેડિયમ ખાતે

બંને ટીમે પ્રેકટીસ કરી પરસેવો પાડ્યો: ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ, ભારે રોમાંચ: બેટીંગ પીચ: બેટધરોને લાભ: રાહુલ, કોહલી આવ્યા, હાર્દિક પંડ્યા, શુભમનગીલ ન આવ્યા

ભારત અને ઓસ્ટ્રેલિયન ટીમએ ખંઢેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી હતી અને ગરમીમાં તડકામાં પરસેવો પાડ્યો હતો. એમાય ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ તો ગરમીમાં ભારે પરેશાન જોવા મળ્યા હતા. (તસ્વીર : પ્રવિણ સેદાણી)

ક્રિકેટનો ક્રેઝ ધરાવતા રાજકોટમાં આવતીકાલે રમાનારા ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારા વન-ડે મેચનો અભુતપૂર્વ રોમાંચ સર્જાયો છે. રનના ઢગલા કરતી બેટીંગ પેરેડાઈઝ વિકેટમાં ચોકકા-છગ્ગાનો વરસાદ થવાનું માનવામાં આવી રહ્યું છે. ભારતમાં આવતા મહિનાથી શરૂ થનારા વર્લ્ડકપ પૂર્વેનો તથા વર્તમાન શ્રેણીનો આખરી વન-ડે મેચ આવતીકાલે રાજકોટમાં ખંઢેરી સ્ટેડીયમમાં યોજાવાનો છે. ભારતે પ્રથમ વખત વન-ડે મેચમાં વિજય મેળવ્યો હોવાથી શ્રેણી કબ્જે કરી લીધી છે. છતાં ભારત ત્રણેય મેચ જીતીને કલીન સ્વીપ કરવા મેદાને ઉતરશે.જયારે ઓસ્ટ્રેલીયા આબરૂ બચાવવા મરણીયું થશે.
આ સિવાય વર્લ્ડકપ પૂર્વેનો આખરી મેચ હોવાથી બન્ને ટીમો મનોબળ વધારવા માટે મેચ જીતવાનો ટારગેટ રાખે તે સ્પષ્ટ છે.આવતીકાલના મેચ માટે ભારત અને ઓસ્ટ્રેલીયાની ટીમોનું ગઈકાલે આગમન થઈ ગયુ હતું બન્ને ટીમો દ્વારા આજે વારાફરતી નેટ પ્રેકટીસ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલીયાએ બપોરે 1 વાગ્યાથી અને ભારતીય ટીમે બપોરે 4 વાગ્યાથી નેટ પ્રેકટીસ કરી હતી. ખેલાડીઓ ઉપરાંત બન્ને ટીમોનો ઓફીશીયલ દ્વારા પણ પીચનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. બીજા વન-ડેમાં ઈન્દોરની પીચ બેટીંગ પેરેડાઈઝ હતી તેમ રાજકોટની વિકેટ પણ બેટીંગ ફ્રેન્ડલી હોવાના સંકેત છે. ઈન્દોર મેચમાં ભારતીય ટીમે 399 રનનો જંગી જુમલો ખડકયો હતો.
તે અત્રે ઉલ્લેખનીય છે કે તેમાં ગીલ અને ઐય્યર એમ બે બેટરોએ સદી ફટકારી હતી અને સુર્યકુમારે સ્ફોટક ઈનીંગ રમવા ઉપરાંત કપ્તાન રાહુલ પણ ઝળકયો હતો.રાજકોટનાં મેચમાં પણ હાઈ સ્કોરીંગ મેચનું પુનરાવર્તન થવાનું માનવામાં આવી રહ્યું છે.રાજકોટનાં ખંઢેરી સ્ટેડીયમની પીચ પણ બેટરો માટે અનુકુળ ગણવામાં આવી રહી છે. સપાટ ક્રિકેટ પર દડા બેટ પર સારી રીતે આવે છે અને બેટરો ધાર્યા શોટ ફટકારી શકે છે. રન બનાવવામાં કોઈ મુશ્કેલી થતી નથી સ્ફોટક બેટીંગ શકય બની શકે છે.સુત્રોના કહેવા પ્રમાણે મેચની શરૂઆતમાં ફાસ્ટ બોલરોને થોડી મદદ મળશે.મધ્ય તબકકે સ્પીનરોને થોડો ટર્ન મળી શકશે છતાં પીચ બેટરો માટે જ આદર્શ રહેશે.
આ પ્રકારની મેચ પર વન-ડે મેચોની પ્રથમ ઈનીંગમાં સામાન્ય રીતે 310 થી 320 રન બનતા હોય છે. આવતીકાલનાં મેચમાં રોહીત, કોહલી તથા પંડયા રમશે અને તેઓ ઋતુરાજ ગાયકવાડ, પ્રસિધ્ધ ક્રિશ્ના, તથા શાર્દુલ ઠાકુરની જગ્યા લેશે.

રાજકોટમાં અત્યારસુધીના 3
વન-ડેમાં પ્રથમ દાવ લેનારી ટીમો જીતી છે: સરેરાશ 312 રનનો સ્કોર
રાજકોટમાં અત્યારસુધીમાં બે ટેસ્ટ મેચ, ત્રણ વનડે તથા પાંચ ટી20 મેચ રમાયા છે. રેકોર્ડ ચકાસવામાં આવે તો ત્રણેય વન-ડેમાં પ્રથમ દાવ લેનારી ટીમો વિજેતા થઈ છે અને સરેરાશ સ્કોર 312 રનનો રહ્યો છે. ભારત માત્ર એક વખત 300ના સ્કોરે પહોંચી શકયુ ન હતું. ગત વર્ષે દક્ષિણ આફ્રિકા સામે ચેઈઝ કરતા ભારત 270 રનમાં સમેટાયુ છે. રાજકોટના ખંઢેરી મેદાનમાં હાઈએસ્ટ સ્કોર 2020માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મેચમાં જ નોંધાયો હતો તેમાં ભારતે 6 વિકેટે 340 રનનો જુમલો ખડકયો હતો. રસપ્રદ બાબત એ છે કે સૌથી ઓછો 252 રનનો સ્કોર પણ ભારતના નામે છે જે 2015માં દક્ષિણ આફ્રિકા સામે કર્યો હતો.

રાજકોટમાં વરસાદ આવતા ક્રિકેટ રસીકોમાં ચિંતા
દિવસભર ભારે ઉકળાટ રહ્યો હતો. સાંજે 6 વાગ્યાના અરસામાં શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પરિણામે રસ્તાઓ પણ પાણી પાણી થઈ ગયા હતા. તો આવતી કાલે ખંઢેરી ખાતે ક્રિકેટ મેચ રમાનાર હોય ક્રિકેટ રસિકોમાં થોડો કચવાટ ઉભો થયો હતો કે વરસાદ આવશે તો ? દરમિયાન ખંઢેરી સ્ટેડિયમ ખાતે વરસાદની સંભાવના વચ્ચે સાંજે પીચને કવર કરી દેવાઈ હતી અને વરસાદ સંદર્ભેની તમામ વ્યવસ્થા કરવામા આવી હતી.

રિલેટેડ ન્યૂઝ