ગોલ્ડ થીફ: પાટનગરના ઈતિહાસની સૌથી મોટી ચોરી દિલ્હીના જવેલરી શો રૂમમાં 25 કરોડની ચોરી


તસ્કરો છતમાં બાકોરૂ પાડી દુકાનમાં દાખલ થયા લોકર પણ તોડયા: તમામ જવેલરી ઉપાડી ગયા: સોમવારે શોરૂમ બંધ હોવાથી તસ્કરીની જાણ વિલંબથી થઈ: પોલીસ ટીમ તપાસમાં ઉતરી

નવી દિલ્હી: પાટનગર દિલ્હીમાં જવેલરી શો રૂમમાં ગઈકાલે રાત્રીના છત કાપીને રૂા.25 કરોડના સોનાના જવેલરીની ચોરી કરી તસ્કર ગેંગ આસાનીથી નાસી છુટી હતી. પાટનગરના ભોગલ ક્ષેત્રમાં આ ઘટના બની હતી. દિલ્હીની આ અત્યાર સુધીની સૌથી મોટી ચોરી ગણવામાં આવે છે. ઉમરાવસિંહ જવેલર્સમાં તસ્કરો છત કાપીને શો રૂમમાં ઉતર્યા હતા તથા તેમાં લોકર સુધી પહોંચી ગયા હતા અને તે તોડીને અંદરથી સોનાના ઘરેણા લુટી ગયા હતા. તસ્કરોએ પુરો શો રૂમ સાફ કરી દીધો હતો. આજે સવારે માલીકે શોરૂમ ખોલતા જ ચોરીની જાણ થઈ હતી જેથી તુર્તજ પોલીસને જાણ કરવામાં આવી હતી. નિજામુદીન પોલીસે શોરૂમ પહોંચીને ફિંગરપ્રિન્ટ તથા અન્ય પુરાવા મેળવવાની કોશીશ કરી હતી તથા શોરૂમના સીસીટીવીની પણ ચકાસણી ચાલુ કરી છે. શો રૂમના માલીક સંજીવ જૈનના જણાવ્યા મુજબ રવિવારે દુકાન બંધ કર્યા બાદ સોમવારે તેઓ સાપ્તાહિક રજા રાખે છે તેથી આજે શોરૂમ ખોલતા જ ચોરીની જાણ થઈ હતી. પુરી દુકાનમાં ધુળ-ધુળ હતું તસ્કરોએ કોઈ મશીનની મદદથી દિવાલમાં છેદ કરીને બાદમાં વધુ દિવાલ તથા છત તોડી હતી. અંદર લોકર તોડવા પણ મશીનનો ઉપયોગ હતો અને દુકાનમાં રૂા.20-25 કરોડની જવેલરી હતી. ચોર છત પરથી અંદર દાખલ થયા હતા અને સીસીટીવી નેટવર્ક પણ તોડી પાડયું હતું. હવે આસપાસની દુકાનોના સીસીટીવી વિ.ની તપાસ થઈ રહી છે.

રિલેટેડ ન્યૂઝ