હવે નાફેડમાં ઇફકોની જેમ ભાજપ V/S ભાજપનો જંગ

એક બેઠક માટે ગુજરાતમાંથી મોહન કુંડારીયા, મગન વડાવીયા સહિત પાંચ આગેવાનોએ ફોર્મ ભર્યા: કાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ

દેશની ટોચની સહકારી સંસ્થા ઇફ્કોની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારની હારના પ્રત્યાઘાતો હજુ શાંત પડ્યા નથી ત્યાં હવે આવી જ એક બીજી સંસ્થા એવી નાફેડની ચૂંટણીમાં ભાજપ વિરુધ્ધ ભાજપનો જંગ થવાના એંધાણ વર્તાવા લાગ્યા છે. ભાજપ સાથે જ સંકળાયેલા પાંચ ઉમેદવારોેએ ફોર્મ ભર્યા છે. પાર્ટી દ્વારા કોઇ ઉમેદવારને મેન્ડેટ આપવામાં આવ્યો નથી અને આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે તે પૂર્વે કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેના પર ભાજપ સહિત સહકારી જગતની મીટ મંડાઇ છે. નાફેડની 6 બેઠકો માટે આગામી 21મેના રોજ ચૂંટણી યોજાવાની છે.
ગુજરાત અને મહારાષ્ટ્રની એક સંયુક્ત બેઠક છે અને તેમાં 310 જેટલા ઉમેદવારો છે એક સીટ માટે ગુજરાતમાંથી ભાજપ સાથે સંકળાયેલા પાંચ સહકારી આગેવાનોએ ઉમેદવારી નોંધાવી છે. મંડળી વિભાગની આ બેઠક માટે સાંસદ મોહનભાઇ કુંડારીયા ઉપરાંત જિલ્લા બેંકના ડાયરેકટર મગન વડાવીયા તથા રાધનપુર, સોમનાથ સહિત પાંચ જિલ્લાઓ માંથી સહકારી મંડળીના હોદેદારોએ ફોર્મ ભર્યા છે. આજે ફોર્મ ચકાસણીનો દિવસ હોવાથી ઉમેદવારો દિલ્હીમાં છે. સમાધાન સાધીને સર્વ સંમતી કેળવવા માટેના પણ ભરચક પ્રયત્નો કરવામાં આવ્યા છે.
સાથોસાથ ભાજપ તરફથી મેન્ડેટ મેળવવા માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સુત્રોએ કહ્યું કે આજે ફોર્મ ચકાસણી બાદ આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાનો દિવસ છે એટલે સર્વ સંમતિ થાય છે કે કેમ અને સમાધાન ન થાય તો ચૂંટણી લડાય છે કે કેમ તેના પર નજર રહે છે. ભાજપ કોઇ સ્પષ્ટ વલણ અપનાવે છે કે કેમ તેના પર નજર રાખવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં સૌરાષ્ટ્રના પણ બે નેતાઓ છે જેમાં મોહનભાઇ કુંડારીયા અને મગન વડાવીયા છે. બંને દિલ્હીમાં હોવાનું કહેવાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં જ ઇફ્કોમાં ડાયરેકટરની ચૂંટણી મામલે ભાજપમાં જ આંતરીક લડાઇ જામી હતી. ભાજપ દ્વારા અમદાવાદના બીપીન પટેલને સત્તાવાર ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા છતાં તેમની સામે રાજકોટના સહકારી નેતા જયેશ રાદડીયાએ ફોર્મ ભર્યું હતું અને વિજય પણ મેળવ્યો હતો. ભાજપના સત્તાવાર ઉમેદવારની હારને પગલે પાર્ટીમાં તથા સહકારી ક્ષેત્રમાં પણ તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા હતા.
સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા ચાલુ રાખવી કે કેમ તે વિષે પણ ચર્ચાનો દૌર શરુ થઇ ગયો હતો. એક વર્ગ મેન્ડેટની તરફેણમાં અને બીજો વર્ગ તેની વિરુધ્ધમાં રહ્યો હતો. ખાસ કરીને મેન્ડેટ પ્રથા ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે ચાલુ કરી હોવાથી તેમની સામે પણ મોરચો ખુલ્યો હોવાની ચર્ચા શરુ થઇ છે એવા સમયે હવે નાફેડની ચૂંટણીમાં પણ ઇફ્કો જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં સહકારી ક્ષેત્રમાં જબરદસ્ત ઉતેજના સર્જાઇ છે.

રિલેટેડ ન્યૂઝ