આગામી તા.9ના રોજ જીએસટી કાઉન્સીલની મળનારી બેઠકમાં એક તરફ રાજ્યને જે વળતર ચૂકવાય છે તે સંદર્ભમાં નિર્ણય લેવાશે અને માનવામાં આવે છે કે કમ્પનસેસન વધુ એક વર્ષ ચાલુ રહેશે અને જો તે રદ કરવી હોય તો તેના બદલે ટેક્સ કે અન્ય કોઇ સેસમાં વધારો કરવામાં આવશે. નાણાં મંત્રી નિર્મલા સિતારામનના અધ્યક્ષ પદ હેઠળ મળનારી આ બેઠક કેટલાક ઉત્પાદનો પરના જીએસટી અંગે પણ વિચારણા થશે આ ઉપરાંત વિદેશી એરલાઇન્સને રૂા.10 હજાર કરોડની જીએસટી ઉઘરાણી અંગે નોટીસ આપવામાં આવી છે તેમાં તેમને રાહત અંગે નિર્ણય લેવાશે.
કુલ 10 વિદેશી એરલાયન્સોને આ પ્રકારે નોટીસ આપી છે. આ ઉપરાંત કાઉન્સીલની બેઠકમાં કાર અને ટુ-વ્હીલરની સીટ પરના જીએસટી કે જે હાલ અડધા ટકા છે તે વધારીને 28 ટકા સુધી લઇ જવાય તો તેવી શક્યતા નકારાતી નથી. કેન્દ્ર સરકારે રાજ્યને જીએસટી વળતર ચુકવવા જે રૂા.1.59 લાખ કરોડની લોન ઉભી કરી છે તેમાં હાલ રૂા.1.25 લાખ કરોડની રકમ બાકી છે.