માધવી બુચ નવી મુશ્કેલીમાં : સેબીમાં જ અધિકારીઓનો બળવો

રેગ્યુલેટરીના કામકાજમાં ઝેરી વાતાવરણ બની ગયું હોવાનો નાણામંત્રાલયને પત્ર

દેશની શેરબજાર સહિતની નાણાંકીય સંસ્થાઓમાં મોનીટરીંગ કરી રહેલી સિકયોરીટી એકસચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) ખુદ વિવાદમાં ફસાઇ છે અને તેના વર્તમાન ચેરમેન માધબી પૂરી બુચ સામે હિડનબર્ગનો તોપમારો શમ્યો ન હતો ત્યાં જ તેઓએ સેબીમાં પૂર્ણ સમયના ડિરેકટરના ગાળા સમયે પણ આઇસીઆઇસીઆઇ ગ્રુપમાંથી પગાર અને શેરના લાભો મેળવ્યા હતા તેવા કોંગ્રેસના આક્ષેપમાં ફસાયા છે અને તેમની સામે હવે ઝી ગ્રુપ પણ મેદાનમાં આવ્યું છે તે સમયે માધબી પૂરી બુચ સામે પણ સેબીમાં પણ જબરો આક્રોશ હોવાનું બહાર આવ્યું છે. અને સેબીના અધિકારીએ નાણા મંત્રાલયને લખેલા પત્રમાં સેબીમાં અત્યંત ટોકસીક વાતાવરણ પ્રવર્તી રહ્યું હોવાનું અને બેઠકોમાં અધિકારીઓને મોટા અવાજે તતડાવવાનું અને જાહેરમાં અપમાન કરવા જેવી પરિસ્થિતિ બનતી હોવાનું જણાવીને માધબીની મુશ્કેલી વધારી દીધી છે. ગત તા. 6 ઓગષ્ટના રોજ લખાયેલા એક પત્રમાં 1000 જેટલા ગ્રેડ-એ અધિકારીઓ કે જેઓ આસીસ્ટન્ટ મેનેજર કે તેથી ઉપરની પદવી પર કામ કરે છે. તેમાંથી પ00 જેટલા અધિકારીઓએ પત્રમાં સહી કરી છે અને તેમાં સેબી અધિકારીઓની ફરિયાદો અને આત્મસન્માન માટે માંગણી તેવું દર્શાવાયું છે. તેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે માધબી પૂરી બુચ તેની ટીમના સભ્યો સાથે અત્યંત ધૃણાસ્પદ રીતે વર્તન કરે છે અને બિનવ્યવસાયિક ભાષાનો ઉપયોગ કરે છે. સેબીના ઇતિહાસમાં પ્રથમ વખત અધિકારીઓએ તેના ચેરમેન સામે આ રીતે ખુલ્લો બળવો કર્યો હોય તેવી સ્થિતિ છે અને પત્રમાં જણાવાયું છે કે આ પ્રકારના વાતાવરણથી અધિકારીઓના માનસિક આરોગ્ય અને કામ તેમજ કૌટુંબિક જવાબદારી વચ્ચેનું બેલેન્સ પણ બગડી રહ્યું છે અને જણાવાઇ રહ્યું છે કે મેનેજમેન્ટને અનેક વખત ફરિયાદો કરવા છતાં પરિસ્થિતિમાં ફેર ન પડતા અંતે આ પ્રકારે નાણામંત્રાલયને પાંચ પાનાનો પત્ર લખવાની ફરજ પડી છે અને એ પણ જણાવાયું છે કે સેબીમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હિડગબર્ગ સહિતના આક્ષેપો છતાં સેબી તરફથી હજુ સુધી કોઇ સ્પષ્ટતા કે સત્તાવાર જવાબ અપાયો નથી. માધબી પૂરી બુચ પણ મૌન છે. ફકત આઇસીઆઇસીઆઇ ગ્રુપે બુચ અંગેના આક્ષેપોને નકાર્યા છે.

રિલેટેડ ન્યૂઝ