નવી દિલ્હીઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જાહેરાત પહેલા સરકારે નિયમોમાં મહત્વનું સંશોધન કર્યું છે. રક્ષામંત્રાલયના નોટિફિકેશન અનુસાર, આ સંશોધન આર્મી, નેવી અને વાયુ સેનાના નિયમ હેઠળ કરવામાં આવ્યું છે. નવા નિયમ પ્રમાણે સીડીએસ પદ પર નિયુક્ત અધિકારી 65 વર્ષે નિવૃત થશે. હકીકતમાં, ત્રણેય સેનાઓના પ્રમુખોમાંથી કોઈની નિમણુંક કરવામાં આવે છે તો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની વધુમાં વધુ ઉંમર 65 વર્ષ કરવા માટે સેવાનિવૃતી ઉંમરમાં વિસ્તાર કરવા માટે સેના, નૌસેના અને ભારતીય વાયુસેનાના સેવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આમ તો સીડીએસના કાર્યકાળની જાહેરાત કરવાની બાકી છે. સુરક્ષા મામલાની કેબિનેટ કમિટીએ મંગળવારે ઐતિહાસિક નિર્ણય લેતા સીડીએસના પદને મંજૂરી આપી હતી, જે ત્રણેય સેનાઓ સાથે સંબંધિત મામલા માટે રક્ષા પ્રધાનના મુખ્ય સૈન્ય સલાહકાર તરીકે કામ કરશે. નિયમો અનુસાર સૈન્ય પ્રમુખ વધુમાં વધુ ત્રણ વર્ષ કે 62 વર્ષની ઉંમર સુધી, જે પણ પહેલા આવે, સેવા કરી શકે છે. સીડીએસ પદ છોડ્યા બાદ કોઈપણ સરકારી પદને ગ્રહણ કરવા માટે પાત્ર હશે નહીં.
