ભય અને ભ્રષ્ટાચાર પશ્ર્ચિમ બંગાળની ઓળખ :
બિહારમાં વિક્રમી જીત બાદ હવે ભાજપનું ટાર્ગૅટ બંગાળ
આજે કોલકતા પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પત્રકાર પરિષદમાં સીધો મમતા સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે પશ્ર્ચિમ બંગાળમાં જે ઘુસણખોરી થઈ છે તે મમતા સરકાર રોકી શકી નથી પણ રાજયમાં ભાજપ સરકાર રચાતા જ અહી ચકલી પણ ફરકી શકશે નહી અને તમામ ઘુસણખોરોને પકડી પકડીને બહાર કાઢવામાં આવશે. શ્રી શાહ ત્રણ દિવસના પશ્ર્ચિમ બંગાળ પ્રવાસે પહોંચ્યા છે અને તેઓ શ્રેણીબદ્ધ બેઠકો પણ યોજશે. શ્રી અમીત શાહે દાવો કર્યો કે 15 એપ્રિલ 2026 બાદ બિહારમાં ભાજપની સરકાર બનશે અને તુર્તજ ઘુસણખોરોને બહાર કાઢવામાં આવશે. મમતા સરકાર સરહદ પર કાંટાળા તારની વાડ માટે જગ્યા આપી રહી નથી તેનાથી ઘુસણખોરી વધી છે. તેઓએ જણાવ્યું કે 15 વર્ષથી પ.બંગાળમાં ભય, ભ્રષ્ટાચારનું કુશાસન અને ઘુસણખોરીના કારણે નાગરિકો ચિંતા પર છે. તેઓએ આક્ષેપ કર્યો કે મમતા બેનરજી સરકારના શાસનમાં ભ્રષ્ટાચારનો વિકાસ થયો છે. કેન્દ્રની લોકપ્રિય યોજનાઓનો લાભ મળતો નથી. તેમણે મમતા સરકારને ટોલ સીન્ડીકેટ સાથે સરખાવી હતી અને કહ્યું હતું કે 2026ના 15 એપ્રિલ લખી રાખજો. અમારી સરકાર પ.બંગાળમાં હશે અને તૃણમુલ કોંગ્રેસ માટે હવે દિવસો ગણાઈ રહ્યા છે. તેઓએ કોંગ્રેસ પર પણ પ્રહાર કરતા કહ્યું કે આ પક્ષ શૂન્ય થઈ ગયો છે તેથી તેની ચિંતા કરવાની જરૂર નથી.