નવી દિલ્હી: તંબાકુના શોખીનો-બંધાણીઓ માટે હવે ‘બજેટ’ નવેસરથી બનાવવાનો સમય આવી ગયો છે. સરકારે જીએસટીમાં કરેલા ફેરફાર બાદ જે રીતે 28%નો સ્લેબ નાબુદ કર્યો છે અને લકઝરી, સીન-પ્રોડકટસમાં ઉંચો દર જાળવી રાખવા માટે કવાયત કરી છે તેના ભાગ રૂપે તા.1 ફેબ્રુથી તંબાકુ અને તેના તમામ ઉત્પાદનો વધુ મોંઘા થશે. તંબાકુ, સિગારેટ, પાનમસાલા, ખૈની તથા જયાં જયાં તંબાકુ આવતી હોય તેના પર 40% જીએસટી આવશે. જો કે બીડીને 18%ના સ્લેબમાં રાખવામાં આવી છે જેથી તે વધુ મોંઘી થશે નહી. આ અંગેનું એક જાહેરનામું બહાર પડી ગયુ છે. 40%ના ટેક્ષ ઉપરાંત તેના પર નેશનલ સિકયોરિટી સેસ પાનમસાલા પર લાગશે. જયારે તંબાકુ અને તેના અન્ય ઉત્પાદનોમાં વધારાની એકસાઈઝ ડયુટી લાદવામાં આવી છે. આ અંગે સંસદે ડિસેમ્બર માસમાંજ ખાસ ખરડાને મંજુરી આપી હતી અને જાહેરનામા મુજબ તા.1 ફેબ્રુઆરીથી તે સમયમાં આવશે. તા.1થી જે કમ્પનસેશન સેસ છે તેનો અંત આવશે.