Jai Hind

લગ્નમાં હવે સોનુ નહીં, પણ… નગદ ભેટ આપવામાં આવે છે.!

લગ્ન ગાળામાં પણ પગના ચાંદીના સાકરાની માંગમાં 70 ટકાનો ઘટાડો !

સોના-ચાંદીના વધતા ભાવોએ આભુષણોને ખુશીના બદલામાં વીંટી, ઈયરરિંગ અને બંગડીને બદલે રોકડ રકમ અપાય છે !!

કાનપુર મોલ રોડનાં રહેવાસી વેપારી મુકેશ કુમારના નજીકનાં મિત્રના ઘરે લગ્ન છે. ત્રણ વર્ષ પહેલાં મુકેશની બહેનનાં લગ્નમાં આ જ મિત્રએ સોનાની વીંટી ભેટમાં આપી હતી.
હવે જ્યારે વ્યવહાર કરવાની વારો આવ્યો છે, ત્યારે મુકેશ મુંજવણમાં છે. તેઓ કહે છે કે હાલનાં ભાવ મુજબ જો એટલા જ વજનની વીટીં ભેટમાં આપવી પડે તો બજેટ બગડી જશે. કારણ સ્પષ્ટ છે કે તે સમયની સરખામણીમાં આજે વીટીંનો ભાવ ત્રણથી ચાર ગણાં સુધી વધી ગયો છે. આ મજબૂરી માત્ર મુકેશની નથી, પરંતુ આજે હજારો મધ્યમ વર્ગીય પરિવારોની હકીકત બની ગઈ છે. સોના-ચાંદીના વધતાં ભાવોએ સમાજનાં તાણાબાણાને હચમચાવી નાખ્યાં છે. જે આભૂષણો ક્યારેય સંબંધોમાં મીઠાશ અને લાગણી ભરી દેતા હતા, તે જ હવે તણાવ, અસહજતા અને ફરિયાદોનું કારણ બનતા જઈ રહ્યા છે. હાલત એવી છે કે લોકોની ઇચ્છા હોવા છતાં સોના-ચાંદીના દાગીના ભેટમાં આપી શકતા નથી. અંતે મજબૂરીમાં નગદનો સહારો લેવો પડી રહ્યો છે. છેલ્લા બે થી ત્રણ વર્ષમાં સોના-ચાંદીના ભાવમાં થયેલા જબરદસ્ત ઉછાળાએ સામાન્ય દાગીનાની કિંમતો ચાર ગણાં સુધી વધારી દીધી છે. લગ્ન ગાળામાં પણ પાયલ-બિછિયા જેવી પરંપરાગત વસ્તુઓની માંગમાં લગભગ 70 ટકા સુધી ઘટાડો આવી ગયો છે. સોનાની વીંટી, ઈયર રિંગ અને બંગડીઓ જેવી ભેટો હવે સામાન્ય પરિવારની પહોંચથી બહાર થતી જઈ રહી છે.
સરાફા વેપારી પુષ્પેન્દ્ર જાયસવાલ કહે છે કે મોંધવારીની સૌથી ઊંડી અસર મધ્યમ વર્ગ પર પડી છે. મર્યાદિત આવક, વધતી જવાબદારીઓ અને સામાજિક અપેક્ષાઓ વચ્ચે પરિવારો મુશ્કેલીઓમાં ફસાયા છે.
ઘણા ઘરોમાં હવે આ વાત ચુભવા લાગી છે કે ‘પહેલા તેમના ઘરે લગ્ન હતા ત્યારે અમે આપ્યું હતું, હવે આપણા ઘરે છે’. આ સરખામણી સંબંધોમાં ધીમે-ધીમે કડવાશ ભરી રહી છે. સરાફા બજાર પણ આ બદલાવથી અછૂતું રહ્યું નથી.