હજુ આવનારા દિવસોમાં કમોસમી વરસાદ-બરફવર્ષાનું એલર્ટ
હરિયાણા-રાજસ્થાનમાં કરાવૃષ્ટિ: વાવાઝોડા અને વીજળીના કડાકા-ભડાકાથી બદલાયું મોસમ
ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, પંજાબ અને હરિયાણાથી માંડીને ઉતરભારતના મોટાભાગના વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તો પશ્ર્ચિમી વિક્ષોભથી પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઇ રહી છે. બરફવર્ષાને પગલે હિમાચલના 835 જેટલા માર્ગો બંધ છે, 24 કલાક ટ્રાફિકજામ છે જેના કારણે પર્યટકો ફસાયા છે. 1942 ટ્રાન્સફોર્મર ખરાબ થવાથી વીજળી ગુલ થઇ ગઇ છે. બીજી બાજુ 28 જાન્યુઆરીએ ઉત્તરાખંડમાં વીજળીની ચમકની સાથે ભારે વાવાઝોડાનું હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે.
પશ્ર્ચિમી ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં વીજળીના કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ સાથે ભારે હવા ચાલી હતી.
હવામાન વિભાગે દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. છત્તીસગઢમાં 28 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરાઇ છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ર્ચિમ યુપી અને રાજસ્થાનમાં અનેક જગ્યાએ કરાવૃષ્ટિની સંભાવના છે. બિહારમાં આવતીકાલે વીજળી પડવાની સાથે વાવાઝોડાની ચેતવણી જાહેર કરાઇ છે. આજે દિલ્હીમાં ફરી એકવાર મોસમનો મિજાજ બદલાતા જોરદાર વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે ભારે વરસાદ શરુ થયો હતો.
હવામાન વિભાગે ગાઢ ધુમ્મસ, શીત લહેરની સાથે તાપમાનમાં ઘટાટોપ મેદાની વિસ્તારોમાં જોવા મળશે તેમ જણાવ્યું છે. દિલ્હીમાં આજે ન્યુનત્તમ તાપમાન 4 ડિગ્રીએ પહોંચી ગયું હતું.
બીજી બાજુ સીમલામાં ભારે બરફવર્ષાના કારણે રાજ્યમાં ત્રણ નેશનલ હાઇ-વે સહિત કુલ 835 માર્ગો ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યા હતાં. દરમિયાન નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના ઉંચા વિસ્તારોમાં ભારે બરફવર્ષાની આગાહી કરાઇ છે.
લાહોલ અને સ્પિતીમાં આદિવાસી જિલ્લામાં નેશનલ હાઇવે-3 (લેહ-મનાલી) અને એનએચ 505 સહિત લગભગ માર્ગો બંધ છે, સીમલામાં 234, મંડીમાં 110, કુલુમા 65, ચંબામાં 78 જેટલા માર્ગો બંધ છે. પ્રશાસન દ્વારા રસ્તા પરથી બરફ હટાવવાનું કામ ચાલું છે. આ ઉપરાંત પૂરા રાજ્યોમાં 1942 ટ્રાન્સફોર્મર ખરાબ થઇ જવાથી વીજળી ગુલ થઇ ગઇ છે.
રવિવારે ઉંચા વિસ્તારોમાં હળવી બરફવર્ષા જોવા મળી હતી. મનાલી, ઉના, હેજારપુર, કાંગડામાં શીતલહેરની સ્થિતિ જોવા મળી હતી. ભારે બરફવર્ષાના કારણે પર્યટકો ફસાઇ ગયા હતા. બધી જગ્યાએ ટ્રાફિકજામ સર્જાયો હતો.