હાજર વાયદા વચ્ચે ધરખમ ભાવફેર
વાયદામાં સોનુ 1,39,900 સામે હાજરમાં 1.52 લાખ
સોના-ચાંદીના ભાવમાં ઉથલપાથલ વચ્ચે પ્રચંડ કડાકા સર્જાઇ રહ્યા છે ત્યારે હાજર અને વાયદાના ભાવોમાં મોટો તફાવત ઉભો થયો છે. કોમોડીટી માર્કેટમાં આજે બપોરે ચાંદીનો ભાવ 2,35,050 હતો ત્યારે હાજરમાં 2.50 લાખ બોલાતા હતા. આ જ રીતે સોનાનો ભાવ 1,39,915 હતો ત્યારે હાજરમાં ભાવ 1.52 લાખ બોલાતો હતો, હાજર વાયદા વચ્ચેનો ગાળો 12 થી 15 હજાર સુધીનો થઇ ગયો હતો. સામાન્ય સંજોગોમાં સોનામાં એક થી દોઢ હજારનો અને ચાંદીમાં બે હજારનો ગાળો રહેતો હોય છે તેના બદલે આ ધરખમ ભાવ ફેરથી ગ્રાહકો પણ ગુંચવણ અનુભવતા હતા. વેપારીઓએ જો કે એવો બચાવ કર્યો હતો કે વાયદામાં જબરદસ્ત મુવમેન્ટ થઇ રહી છે તેવા સમયે હાજર અને વાયદામાં ભાવનો ગાળો મોટો થાય તે સ્વભાવિક છે.
સોના-ચાંદીમાં અભૂતપૂર્વ તેજી અને રેકોર્ડ બ્રેક ભાવ બાદ ગાડી હવે ઉંધી દિશામાં દોડવા લાગી હોય તેમ સતત ત્રીજા દિવસે આજે કડાકાભડાકા રહયા હતાં. બંને મેટલમાં વધુ ગાબડા પડ્યા હતા. ચાંદીમાં છેલ્લા બે દિવસમાં 40 હજાર રુપિયા ઘટી ગયા છે. જ્યારે સોનામાં 10 હજારનો ઘટાડો થઇ ગયો છે. આજે પ્રારંભીક કામકાજમાં જ ચાંદીમાં 16 હજાર તથા સોનામાં 4 હજારનો ઘટાડો નોંધાયો હતો.
સોના-ચાંદીમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મંદીનો દૌર શરુ થયો છે અને જે આજે પણ ચાલુ રહ્યો હોય તેમ વિશ્ર્વસ્તરે વધુ ઘટાડો નોંધાયો હતો. ભારતીય કોમોડીટી એક્સચેંજમાં પ્રારંભિક કામકાજમાં જ ચાંદીમાં વધુ 16 હજારથી વધુનું ગાબડું પડી ગયું હતું અને ભાવ 2,49,200 સાંપડ્યો હતો. જે એક તબકકે નીચામાં 2,43,645ના સ્તરે પહોંચી ગયો હતો. હાજર ચાંદી જો કે 2.63 લાખ બોલાતી હતી. વિશ્ર્વબજારમાં ચાંદીનો ભાવ 79.24 ડોલર સાંપડ્યો હતો. ચાંદીની જેમ સોનામાં પણ ગાબડુ પડ્યું હતું. વાયદા બજારમાં પ્રારંભીક કામકાજમાં સોનુ 3400ના ઘટાડાથી 1,38,800 સાંપડ્યું હતું. જે નીચામાં 1,37,455 થયું હતું. હાજર સોનુ 1.54 લાખ હતું. વિશ્ર્વ બજારમાં ભાવ 4685 ડોલર હતો.
ભારત સરકારના ગઇકાલે રજુ થયેલા બજેટમાં સોના-ચાંદીની ડ્યુટીમાં ફેરફાર આવશે તેવી અટકળો વ્યકત થતી હતી પરંતુ સરકાર દ્વારા ડ્યુટીમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. સોના-ચાંદી ક્ષેત્રને લગતી કોઇ દરખાસ્તો જ કરવામાં આવી નથી જેના કારણે માર્કેટમાં નિરાશા પ્રર્વતતી હતી. જો કે તેના કારણે ભાવમાં કોઇ બદલાવ કે પ્રભાવ પડ્યો નથી. વૈશ્ર્વિક ટ્રેડ પ્રમાણે મંદીનો દોર આગળ ધપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક ડીમાંડ-દુનિયાભરની સેન્ટ્રલ બેન્કોની ખરીદીથી સોના-ચાંદીમાં અભૂતપૂર્વ તેજી થઇ હતી. આ સિવાય વિશ્ર્વસ્તરે ભૌગોલિક ટેન્શન, યુધ્ધના ભણકારા, આર્થિક અનિશ્ર્ચિતતા, ટેરીફ વોર સહિતના કારણોથી બંને મેટલના ભાવ સતત સળગ્યા હતા. જાણકારો જો કે એવી ચેતવણી ઉચ્ચારવા લાગ્યા હતા કે અસામાન્ય તેજી પાછળનું એક કારણ સટ્ટાકીય પણ હોય શકે છે અને તેના કારણે ટૂંકાગાળામાં મોટું કરેક્શન આવી શકે છે. નિષ્ણાંતોનું અનુમાન સાચુ ઠર્યું હોય તેમ છેલ્લા ત્રણ-ચાર દિવસથી માર્કેટ ઉંધા માથે પટકાઇ રહ્યું છે.