જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદૃેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ફરીથી ભારે બરફવર્ષા શરૂ થતા તાપમાનનો પારો ગગડ્યો છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા પર્યટન સ્થળ પહલગામમાં નવેસરથી થયેલી હિમવર્ષાના કારણે રિસોર્ટમાં પાર્ક કરેલા વાહનો પર બરફના થર જમા થયેલા શ્યમાન થાય છે.
નવી દિલ્હી : હિમાલય ક્ષેત્રમાં પશ્ચિમી વિક્ષેપ ફરી સક્રિય થયો છે, જેના કારણે ઉત્તર ભારતમાં ઠંડી ફરી વળી છે. પર્વતો પરથી ફૂંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારોમાં પણ ફેલાઈ ગયા છે.દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ, બરફ પીગળવા અને ઠંડીની લહેરની અસર જોવા મળી રહી છે. દરમિયાન, હવામાન વિભાગે આજે ભારે હિમવર્ષા અને વરસાદની ચેતવણી જારી કરી છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, 3 ફેબ્રુઆરીએ પશ્ચિમી વિક્ષેપના કારણે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના છે. ઉત્તરપશ્ચિમ ભારત અને મધ્ય ભારતના નજીકના મેદાનો પર પણ હળવો વરસાદ પડી શકે છે. પશ્ચિમી વિક્ષોભને કારણે, પર્વતીય વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે લદ્દાખના દ્રાસમાં લઘુત્તમ તાપમાન માઈનસ 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.
