Jai Hind

કંપનીઓના હિતને નહીં; નાગરિકોની આરોગ્ય ચિંતાને પ્રાધાન્ય આપો: ફૂડ ઓથોરીટી વિશે સુપ્રિમની આકરી ટીપ્પણી

પ્રોસેસ્ડ ફૂડના પેકેટના આગળના ભાગે ‘વોર્નિંગ લેબલ’નો નિયમ લાગૂ કરવા નિર્દેશ

મલ્ટીનેશનલ કંપનીઓનું હિત જોવાને બદલે નાગરિકોની આરોગ્ય ચિંતાઓને પ્રધાન્ય આપવાની કડક ટીપ્પણી કરવા સાથે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર તથા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયાને પ્રોસેસ્ડ ફૂડના પેકેટમાં આગળના ભાગે જ ચેતવણીના લેબલ લગાવવાનું ફરજીયાત કરવા આદેશ આવ્યો છે. પેકેટમાં વેચેલા પ્રોસેસ્ડ ફૂડમાં ખાંડ, નમક, ફેટ, કેલેરીઝની માત્રા સહિતની આરોગ્યને અસરકર્તા વિગતોથી નાગરિકો માહિતગાર થઇ શકે તે માટે આ નિયમ લાગૂ કરવા સૂચના આપી હતી.
સુપ્રિમ કોર્ટના જસ્ટીસ જે.બી. પારડીવાલા તથા કે.વી. વિશ્ર્વનાથનની બેંચે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટીના નબળા પ્રતિભાવ સામે અસંતોષ દર્શાવ્યો હતો. ઓથોરીટીએ રિસર્ચ માટે વધુ સમય માંગતા અદાલતે નારાજી દર્શાવીને એવી ટીપ્પણી કરી હતી કે ઓથોરીટી કાર્યવાહી નહીં કરે તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. ઓથોરીટીને ત્રણ સપ્તાહનો સમય આપવાની સાથે અદાલતે એવી આકરી ટીપ્પણી કરી હતી કે ‘મલ્ટીનેશનલ કંપનીઓની ચિંતા કરવાના બદલે નાગરિકોના આરોગ્યની ચિંતા કરવી જોઇએ.’
પેકેજડ-પ્રોસેસ્ડ ફૂડમાં ઉમેરાતા ઇન્ડીગ્રેન્ટસની લોકોને માહિતી મળી શકે તે માટે તેને પેકેટ પર દર્શાવવા સંબંધી ભલામણો સાથેનો રીપોર્ટ આપવાનો આદેશ સુપ્રિમ કોર્ટે ગત એપ્રિલમાં નિષ્ણાંત કમીટીને આવ્યો હતો. કેન્દ્ર સરકારે આ કમીટીનું ગઠન કર્યું હતું. કેન્દ્ર સરકારે એવી બાંહેધરી આપી હતી કે ડીસ્પ્લે નિયમો વિશે 14000 સુચનો મળ્યા હતા અને તેના આધારે બદલાવ કરવાનું નક્કી કરાયું છે.પ્રોસેસ્ડ ફૂડમાં પેકેટના આગળના ભાગે ચેતવણીનું લેબલ લગાવવાનું ફરજીયાત કરવાની માંગ સાથે સુપ્રિમ કોર્ટમાં જાહેરહિતની અરજી થઇ હતી અને તેના પર સુનાવણી થઇ રહી છે.ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટીએ 2014માં પ્રોસેસ્ડ ફૂડના પેકેટ પર આંખ-અક્ષરોમાં લખવાનું ફરજીયાત બનાવતી દરખાસ્તને મંજુરી આપી હતી.