Jai Hind

લઘુતમ બેલેન્સના નિયમ ખત્મ કરવા સંસદીય કમીટીની ભલામણ મીનીમમ બેલેન્સના નામે બેન્કોએ રૂા.11000 કરોડ વસુલ્યા

ખાનગી બેન્કો ચાર્જ વસુલવામાં અવ્વલ: 1 વર્ષમાં જ રૂા.2772 કરોડ વસુલ્યા: ગ્રાહકોને જાણકારી પણ અપાતી નથી

બેન્કો દ્વારા ગ્રાહકો પાસેથી વસુલાતા વિવિધ ચાર્જમાં પારદર્શકતા-એક સમાનતા લાવવા કમીટી દ્વારા પણ ભલામણો

નવી દિલ્હી: બેન્કોના કરોડો ગ્રાહકોને એક મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. હાલ બેન્કો ખાસ કરીને સેવિંગ્સ ખાતામાં જે ઓછામાં ઓછી જરૂરી બેલેન્સના નિયમના આધારે જો એક માસ પણ આ લઘુતમ જરૂરિયાતના બેલેન્સથી ઓછી રકમ બેન્ક ગ્રાહકના ખાતામાં હોય તો તેના પર તગડી પેનલ્ટી વસુલ કરે છે અને પાંચ વર્ષમાં જ સરકારી અને ખાનગી બેન્કોએ લઘુતમ બેલેન્સની પેનલ્ટીના કારણે રૂા.11000 કરોડની કમાણી કરી હતી અને તેમાં ખાનગી બેન્કોનો આ લઘુતમ બેલેન્સના મનફાવે તેવા નિયમો નકકી કરે છે અને ગ્રાહકોને તેનું પાલન કરવા મજબૂર કરે છે અથવા તગડો દંડ વસુલે છે. ખાનગી બેન્કોએ એક જ વર્ષમાં લઘુતમ બેલેન્સના નામે રૂા.2778 કરોડ એક જ વર્ષમાં વસુલ્યા છે અને સરકારી બેન્કો પણ પાછળ નથી. આમ વર્ષમાં તેઓએ રૂા.8600 કરોડની રકમ વસુલે છે તે વચ્ચે હવે બેન્ક ગ્રાહકોની આ ચિંતાનો પડઘો લોકસભા સુધી પહોંચ્યો છે. જેમાં આ ગૃહની કમીટીએ લઘુતમ બેલેન્સના નિયમ જ રદ કરવાની ભલામણ કરી છે તથા બેન્કો તેના ગ્રાહકો પાસેથી જે વિવિધ ચાર્જ લે છે તેને પણ પારદર્શી બનાવવા ભલામણ કરી છે. બેન્કો તેના ગ્રાહકો પાસેથી અનેક પ્રકારના છુપા ચાર્જ વસુલે છે અને ગ્રાહક લાચાર બનીને તે ભોગવે છે. લોકસભાની કમીટીએ હવે લઘુતમ બેલેન્સ સહિતના ચાર્જને પારદર્શક અને ઓછામાં ઓછા હોય તે નિશ્ર્ચિત કરવા જણાવ્યું છે. કમીટીએ નાણા મંત્રાલય અને રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે સરકારી અને ખાનગી બેન્કો માટે એક સમાન નિયમ લાગુ કરવા જોઈએ તથા ખાસ કરીને લઘુતમ બેલેન્સના નિયમો રદ થવા જોઈએ. તેના બદલે ગ્રાહકોને બેલેન્સ રાખવા બદલ પોઈન્ટ-વ્યાજ દરમાં વધારો જેવા પ્રોત્સાહક ઉપાયો અજમાવવા જોઈએ. આ ઉપરાંત બેન્કોના અન્ય ચાર્જમાં પણ પારદર્શકતા આપવી જોઈએ. બેન્ક શાખા, મોબાઈલ પેપરને ડીજીટલ લેવડદેવડ સમયે તે પ્રકારના ચાર્જની માહિતી ગ્રાહકોને મળે તે નિશ્ર્ચિત થવું જોઈએ તથા તે સ્થાનિક ભાષામાં અને અંગ્રેજી-હિન્દીમાં મળવા જોઈએ. આ ઉપરાંત બેન્ક ગ્રાહકોની ફરિયાદના નિકાલ માટે પણ એક ખાસ સીસ્ટમ હોવી જોઈએ. ફરીયાદનો 3 દિવસ અને જો કોઈ વિસ્તૃત તપાસ હોય તો 7 દિવસમાં તેનો નિકાલ લાવવો જોઈએ.