આટલો બેજવાબદાર વિપક્ષ મેં જોયો નથી: સંસદીય મંત્રીના વિધાનોથી ધમાલ વધી
લોકસભા અધ્યક્ષ સામે અવિશ્ર્વાસ પ્રસ્તાવ મુદ્ે હવે આજે ચર્ચા: ખામેનેઇના મોત પર સરકારનું મૌન અને ગેસના ભાવ વધારાને હથિયાર બનાવીને વિપક્ષ આક્રમણ માટે સજ્જ
સંસદના બજેટ સત્રના બીજા તબકકામાં આજથી ધમાલભર્યો પ્રારંભ થયો છે અને ઇરાન યુધ્ધ મુદ્ે વિપક્ષોએ બંને ગૃહોમાં જબરો હંગામો કરીને ચર્ચાની માંગણી કરી હતી. તો બીજી તરફ લોકસભામાં વિપક્ષ દ્વારા રજુ થયેલ અધ્યક્ષ શ્રી ઓમ બિરલા સામેની અવિશ્ર્વાસ દરખાસ્ત પરની ચર્ચા આજે થઇ શકી ન હતી અને હવે આજે બપોરે 12 વાગ્યે વિપક્ષના પ્રસ્તાવ પર લોકસભામાં ચર્ચા અને મતદાન થશે. કોંગ્રેસના સાંસદોએ ઇરાનની પરિસ્થિતિ પર બંને ગૃહોમાં સરકાર ટુંકી મુદતની ચર્ચા આપે તેવી માંગણી કરી હતી જો કે સરકારે એજન્ડા મુજબ આજે પહેલા લોકસભાના અધ્યક્ષ સામેની અવિશ્ર્વાસ દરખાસ્ત પર ચર્ચા થવા દેવા વિપક્ષને અનેક વખત વિનંતિ કરી હતી. એક તબકકે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજ્જુએ ત્યાં સુધી ટીપ્પણી કરી કે આટલો બેજવાબદાર વિપક્ષ કદી જોયો નથી. તેમના વિધાનો પર લોકસભામાં પણ ભારે હંગામો મચી ગયો હતો અને ત્રણ-ત્રણ વખત ગૃહ મુલત્વી રહ્યું હતું. આજથી શરુ થયેલું બીજુ સત્ર તોફાની બની રહેશે તેવા સંકેત છે. વિપક્ષોએ એક બાદ એક મુદ્ાઓ પર સરકારને ભીડવવાની તૈયારી કરી છે. ખાસ કરીને વિદેશ નીતિ મુદ્ે અને ઇરાન પર અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં સરકારની ભૂમિકા તથા ઇરાનના સર્વોચ્ચ વડા ખામેનેઇના મોત પર સરકારનું મૌન એ પણ વિપક્ષ હથિયાર બનાવી રહી છે અને તે ઉપરાંત જે રીતે સરકારે રાંધણ ગેસના ભાવ વધાર્યા તેને પણ સરકાર પર પ્રહાર કરવામાં ઉપયોગ કરશે. જો કે બીજી તરફ સરકારે અનેક મહત્વના એજન્ડા અને ખરડાઓ પસાર કરવાની તૈયારી રાખી છે.