Jai Hind

હરિયાણામાં ભાજપ ખેલ કરવાની તૈયારીમાં: હર્ષ સંઘવીને ચુંટણી નિરીક્ષક બનાવ્યા

તા.16ના રોજ યોજાનારી રાજયસભાની બેઠકમાં અનેક અપસેટ સર્જવા તૈયારી

બિહાર અને ઓડિસામાં પણ ભાજપના નિરીક્ષકોને ખાસ ટાસ્ક સોંપાયું: ક્રોસ વોટીંગ હથિયાર બનશે

નવી દિલ્હી: આગામી તા.16 માર્ચના રોજ રાજયસભાની 37માંથી 16 બેઠકો પર મતદાન થવાનું છે જેમાં હરિયાણાની બે રાજયસભા બેઠકનો પણ સમાવેશ થાય છે. અહી વિધાનસભાની સભ્ય સંખ્યા મુજબ ભાજપ અને કોંગ્રેસ એક-એક બેઠક જીતી શકે છે તે વચ્ચે ભાજપે હરિયાણામાં ચુંટણી નિરીક્ષક તરીકે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને જવાબદારી સોંપી છે અને માનવામાં આવે છે કે ક્રોસ વોટીંગ કરાવીને એક અપક્ષ ઉમેદવાર સતીષ નાંદલને જીતાડવા ભાજપ ખેલ નાંખશે તે શકયતા છે. કોંગ્રેસ પાસે 37 ધારાસભ્ય છે અને તેના એક ઉમેદવાર કરમવીર બૌદ્ધને જીતાડવા 31 મતો તેને મળી શકશે અને આમ જીત નિશ્ર્ચિત ગણાય છે પણ અપક્ષ ઉમેદવારના આગમનથી હવે બે બેઠક માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપના જ ઉમેદવાર સંજય ભાટીયા પણ જીતશે તે નિશ્ર્ચિત છે. હરિયાણામાં જે રીતે ધારાસભ્યનો પાટલી બદલવાનો અને આયારામ ગયારામનો ઈતિહાસ છે તે જોતા કોંગ્રેસને તેના ઉમેદવારના નિશ્ર્ચિત વિજયમાં પણ ડર લાગી રહ્યો છે. 2022માં કોંગ્રેસના જ અજય માકનને નિશ્ર્ચિત જીતમાં પણ હાર મળી હતી. કોંગ્રેસે હાલ તેના તમામ ધારાસભ્યોને હવે અન્યત્ર અને ખાસ કરીને બેંગ્લોરમાં ખસેડવાની તૈયારી કરી છે. આમ હરિયાણામાં ભાજપ ખેલ નાંખી દે તો કોંગ્રેસ એક બેઠક પણ ગુમાવી શકે છે. આ ઉપરાંત બિહારમાં પણ ભાજપ પાંચમા ઉમેદવાર તરીકે ઉપેન્દ્ર કુશવાહાને ઉભા રાખ્યા છે અને તેમને જીતાડવા માટે વિપક્ષની છાવણીમાંથી ક્રોસ વોટીંગ થશે તેવો ભાજપને વિશ્ર્વાસ છે. બિહારમાં ભાજપે છતીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા અને કેન્દ્રના મંત્રી હર્ષ મલ્હોત્રાને જવાબદારી સોંપી છે. ઓડીસામાં પણ ભાજપ વધારાની બેઠક પર પોતાનો વિજય નિશ્ર્ચિત કરવા મહારાષ્ટ્ર સરકારના મંત્રી ચંદ્રશેખર બાવનકુલેને જવાબદારી સોંપી છે. આમ આગામી દિવસોમાં આ જંગ રસપ્રદ બનશે.