Jai Hind

ઘરેલુ વપરાશમાં 100 ટકા, ઔદ્યોગીક સહિતના વપરાશમાં છ માસની સરેરાશના 70 ટકા ગેસ સપ્લાય કરવા આદેશ

ઉત્પાદકથી આયાતકાર અને ડીસ્ટ્રીબ્યુશન સહિતની કંપનીઓ માટે ગાઈડલાઈન જાહેર

સરકારે જે ગેસ પુરવઠાના નવા નિયમ જાહેર કર્યા છે તેમાં ખાતરના પ્લાન્ટ માટે છેલ્લા છ માસના સરેરાશ વપરાશના 70 ટકા પુરવઠો તેમને ઉપલબ્ધ રહે તે જણાવ્યું છે. આ ઉપરાંત જે તે એકમની કાર્યક્ષમતાને પણ નજરમાં લેવાશે. જયારે ચા ઉદ્યોગ અને અન્ય ઔદ્યોગીક વપરાશકારો અને ઉત્પાદકોને જે નેશનલ ગેસ ગ્રીડમાંથી પુરવઠો આપવામાં આવે છે તેમાં છેલ્લા છ માસના વપરાશના 80 ટકા પુરવઠો મળતો રહેશે. આ જ રીતે તમામ સીટી ગેસ ડીસ્ટીબ્યુશન કંપનીઓને જણાવાયું છે કે તેઓએ ઔદ્યોગીક અને કોમર્શીયલ વપરાશકારોને પણ છ માસના સરેરાશ વપરાશના 80 ટકા પુરવઠો આપવાનો રહેશે. રીફાઈનરીઓને તેમના એલએનજી સપ્લાયના પુરવઠામાં છેલ્લા છ માસનું જે સપ્લાય થયું છે તેના 65 ટકાથી ઓછુ ઉત્પાદન ન થાય તે જોવા જણાવાયું છે. આ જ રીતે સરકારે તમામ ઉત્પાદકો, આયાતકારો, ટ્રાન્સપોર્ટર, માર્કેટીંગ અને ડીસ્ટ્રીબ્યુશન કરનાર એકમોને પણ આ ધારા હેઠળ આવરી લીધા છે. જેમાં ઓએનજીસી, રિલાયન્સ, ઓઈલ ઈન્ડીયા લી., વેદાંતા અને અન્ય ઘરેલુ કુદરતી ગેસ ઉત્પાદક કંપનીઓનો સમાવેશ થાય છે. આ જ રીતે પાઈપલાઈન મારફત ગેસ પુરવઠો આપતી સરકારી કંપની ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડીયા લી. અને એલએનજી ટર્મિનલ ઓપરેટર, નેચરલ ગેસ પાઈપલાઈન ઓપરેટર, સીટી ગેસ ડીસ્ટ્રીબ્યુટર કંપની વિ.ને પણ આવરી લીધી છે.