Jai Hind

ગેસ સીલીન્ડરની લાઇનમાં દેશમાં પ્રથમ મૃત્યુ: 57 % પરિવારોએ બ્લેકમાં સિલિન્ડર ખરીદ્યા

દેશમાં રાંધણ ગેસની સર્જાયેલી તંગીના કારણે એક તરફ સીલીન્ડર માટે નોટબંધી જેવા દ્રશ્યો સર્જાવા લાગ્યા છે તો તેમાં સૌ પ્રથમ વખત પંજાબના બરનાલાના શેહણા ગામમાં ગેસ સીલીન્ડરની લાઇનમાં સવારે 5 વાગ્યાથી ઉભેલા એક બુઝર્ગનું મૃત્યુ થતાં જબરો આક્રોશ વ્યાપી ગયો હતો. તો બીજી તરફ હાલમાં થયેલા એક સર્વેમાં જણાવાયું છે કે 57 ટકા ઘરોમાં સીલીન્ડર માટે રૂા.100 થી રૂા.2800 સુધીની વધારાની રકમ ચુકવવી પડી છે. એક સમયે દેશમાં નોટબંધીના કારણે નોટો બદલવાની લાઇનમાં ઉભા રહેલા અનેકના મૃત્યુ થયા હોવાનું બહાર આવ્યું હતું ત્યારે આજે સવારે આ 66 વર્ષના ભૂષણકુમાર મીતલ ગેસ સીલીન્ડર માટે સવારે પાંચ વાગ્યે લાઇનમાં ઉભા રહી ગયા હતા અને તેમનો વારો આવે તેની રાહ હતી તેમની પાસે 25 નંબરનું ટોકન હતું પરંતુ તેમનો સીલીન્ડર માટે વારો આવે તે પહેલા અચાકન જ હૃદયરોગનો હુમલો આવતા લાઇનમાં જ ઢળી પડ્યા હતા અને તેમનું સ્થળ પર જ મૃત્યુ થતાં અહીં જબરો આક્રોશ છવાઇ ગયો હતો.
ગલ્ફમાં યુધ્ધની સ્થિતિને કારણે ભારતમાં પેટ્રોલીયમ પેદાશોની સપ્લાય પર મોટી અસર થઇ રહી છે અને તેમાં ખાસ કરીને ઘરેલું વપરાશના એલપીજી સીલીન્ડરમાં જે તંગી સર્જાઇ છે તેમાં એક તરફ કાળા બજાર અને સંગ્રહાખોરીની બુમ ઉઠી છે તથા લોકોને રેગ્યુલર તરીકે ઉંચા ભાવે ગેસ સીલીન્ડર મેળવવાની ફરજ પડી રહી છે તે સમયે હાલમાં લોકલ સર્કલ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ઘટ્ટસ્ફોટ થયો છે કે દેશમાં 57 ટકા જેટલા પરિવારો છેલ્લા એક સપ્તાહમાં ગેસની તંગીનો સામનો કરી રહ્યા છે અને તેમાં તેઓએ સ્વીકાર્યું હતું કે ઝડપથી સીલીન્ડર મેળવવા તેઓએ વધારાના નાણાં ચૂકવવા પડ્યા છે. દેશના 309 જિલ્લાઓમાં 57000 જેટલા હાઉસહોર્લ્ડ સર્વેમાં આ તારણ આવ્યું છે. જેમાં મેટ્રોથી લઇને ત્રીજા અને ચોથા કક્ષા સુધીના શહેરોને આવરી લેવાયા હતાં. જો કે જેઓએ અગાઉના સપ્તાહમાં પોતાના સીલીન્ડર નોંધાવ્યા હતા તેમાં 47 ટકાને યોગ્ય સમયે ડિલીવરી થઇ ગઇ હોવાનું સ્વીકાર્યું હતું પરંતુ 53 ટકાએ જણાવ્યું કે સપ્લાય ખોરવાઇ જવાના કારણે તેઓને અગાઉ બે કે ત્રણ દિવસમાં સીલીન્ડર મળતું હતું તેઓને હવે 25 દિવસની રાહ જોવી પડી રહી છે તેથી સીલીન્ડર મેળવવા વધુ નાણાં આપ્યા છે. આ સર્વેમાં 8 ટકા લોકોએ એવું સ્વીકાર્યું હતું કે તેઓ પ્રતિ સીલીન્ડર રૂા.100 વધારે દીધા છે. 11 ટકા લોકોએ રૂા.100 થી 300 અને 8 ટકા લોકોએ રૂા.300 થી 500 જ્યારે 9 ટકા લોકોએ રૂા.500 કે તેથી વધુ નાણાં ચુકવ્યા હતાં અને દિલ્હી તથા એનસીઆરમાં પ્રતિ સિલિન્ડર રૂા.1500 થી 2800 સુધીના કાળા બજાર થયા છે. આ સર્વેમાં લોકોએ સ્વીકાર્યું કે ભારતમાં ગેસ આયાત કરવો પડતો હોવાથી આ તંગી સર્જાઇ છે.