Jai Hind

હિમાચલ, કાશ્મીર, ઉત્તરાખંડમાં હિમવર્ષા: સેંકડો પ્રવાસી ફસાયા

૨૧ માર્ચ સુધી ખરાબ હવામાનની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ

કિશ્તવાડમાં ભૂસ્ખલનમાં ૧નું મોત:કોડરનાકામાં ૨૨૦ લોકોનું રેસ્ક્યુ: અટલ ટનલ ખાત્ો ૧૦૦૦ વાહનો ફસાયા

દેશભરમાં ઉનાળો શરૂ થઇ જ ગયો છે અને પ્રારંભિક દિવસોમાં જ હીટવેવની હાલત સર્જાયા બાદ હવે એકાએક હવામાનપલ્ટો સર્જાયો છે. હિમાચલ-કાશ્મીરમાં હિમવર્ષા-વરસાદથી ફરી ઠંડીનો માહોલ સર્જાવા સાથે સેંકડો પ્રવાસીઓ ફસાઇ ગયા હતા. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.
દિલ્હીથી માંડીને રાજસ્થાન સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે.
હિમાચલ પ્રદેશના પાટનગર શિમલા સહિત રાજ્યના અનેક ભાગોમાં તે જ પવન સાથે હિમવર્ષા, વરસાદ તથા કરા વરસ્યા હતા. એકાએક હવામાન પલ્ટાથી પ્રવાસીઓ રોમાંચિત બન્યા હતા. પરંતુ હવામાન ભીષણ બનતા અટવાઇ જવાનો વખત આવ્યો હતો.
શિમલા, મનાલી, લાહોલ-સ્પીતિ જેવા ભાગોમાં પ્રવાસે ઉમટેલા સેંકડો પ્રવાસીઓએ આખી રાત અટલ ટનલ રોહતાંગ પાસે અટવાયું પડ્યું હતું. નવી હિમવર્ષાથી માર્ગો ‘સ્લીપરી’ બની ગયા હતા. વાહનો લપસી જવાનું જોખમ હતું એટલે એકાદ હજાર વાહનો આખી રાત અટલ ટનલ પાસે અટવાયેલા રહ્યા હતા. હિમાચલમાં રોહતાંગ સહિતના ક્ષેત્રોમાં રવિવારે બપોર બાદ હિમવર્ષા શરૂ થઇ હતી અને માત્રા વધતી રહેતા ઠેકઠેકાણે અર્ધો અર્ધો ફૂટ બરફના થર જામી ગયા હતા. બપોર સુધી પ્રવાસનો આનંદ ઉઠાવનારા પ્રવાસીઓની પછી ફસાઇ ગયાની હાલત થઇ હતી. વાહનો લપસવા લાગતા અન્ય વાહનોને અટકાવી દેવાયા હતા. શિમલા ઉપરાંત ચંબા, કુલ્લુ, મંડી, લાહોલ સ્પીતિ, કિન્નૌર, કાંગવ, મેવા ક્ષેત્રોમાં હિમવર્ષા થઇ હતી. 150 માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા.
હિમવર્ષા તથા વરસાદને પગલે તાપમાન 10 ડીગ્રીથી પણ વધુ ઘટી જતાં શિયાળાનો અહેસાસ થવા લાગ્યો હતો. સરેરાશ 13 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. માર્ચ મહિનામાં જાન્યુઆરી-ફેબ્રુઆરીની ઠંડીનો અનુભવ થયો હતો. શિમલામાં તો ન્યુનત્તમ તાપમાન 10 ડીગ્રીથી નીચે ઉતરી ગયું હતું. હવામાન વિભાગ દ્વારા આવતા થોડા દિવસ હવામાન ખરાબ જ રહેવાની આગાહી કરવામાં આવી છે.
17મીએ નવું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સર્જાશે અને તેની અસરે તા.21 સુધી હળવો વરસાદ-હિમવર્ષા થઇ શકે છે. દિલ્હીથી માંડીને રાજસ્થાન સુધી અસર રહી શકે છે. દરમ્યાન કાશ્મીરના ગુલમર્ગ-શ્રીનગર સહિતના ભાગોમાં હિમવર્ષા થતાં ગરમીમાં રાહત થઇ હતી. કોકરનાગમાં 220 લોકો ફસાતા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું.