મમતાના ટોચના અધિકારીઓને ચુંટણી ફરજથી જ દુર રખાશે: તૃણમુલ કોંગ્રેસનો રાજયસભામાં આક્રોશ: વોકઆઉટ
કોલકતા: પ.બંગાળમાં જાહેર થયેલી ધારાસભા ચૂંટણીના કલાકોમાંજ ચુંટણી પંચે એક આદેશમાં રાજયના મુખ્ય સચિવ તથા ગૃહ સચીવ તથા રાજયના પોલીસ વડા સહિત છ અધિકારીઓની બદલી કરી તેઓને ચુંટણીલક્ષી કામગીરીથી દુર કરી દીધા છે. લાંબા સમયથી રાજયની મમતા બેનરજી સરકાર સાથે ટકકરમાં રહેલા પંચે આચાર સંહિતામાં સતા મળતા જ રાજયમાં મુખ્ય સચીવ નંદીની ચકવોર્તીને સ્થાને 1996 બેચના અધિકારી દુષ્યંત નારીયાલાને મુખ્ય સચીવ તરીકે મુકયા છે તો રાજયના ગૃહ વિભાગના પ્રિન્સીપાલ સચીવ તરીકે ફરજ બજાવતા જગદીશ પ્રસાદ મીનાના સ્થાને 1997 બેચના આઈએએસ અધિકારી સંઘમિત્રા ઘોષને નવા ગૃહ સચીવ બનાવ્યા છે. ચુંટણીપંચે મધરાત બાદ ચાર વાગ્યે પ.બંગાળ સરકારને આ બદલીના આદેશ આપ્યા હતા અને તે મુદે આજે રાજયસભામાં તૃણમુલ કોંગ્રેસના સભ્યોએ ભારે ધમાલ મચાવી હતી તથા પંચને અધિકાર છે પણ રાત્રીના સમયે થતા આદેશ સામે વિરોધ દર્શાવ્યો હતો. રાજયના મુખ્ય તથા ગૃહસચીવ ઉપરાંત ચુંટણીપંચ પ.બંગાળના પોલીસ વડા સિદ્ધનાથ ગુપ્તા એડી. ડીજી નટરાજ રમેશ બાબુ એડીજી અને આઈજીપી લો એન્ડ ઓર્ડર અજય મુકુંદ રાનડે તથા કોલકતા પોલીસ કમિશ્ર્નર અજયકુમાર નંદની પણ બદલી થઈ છે અને આ તમામને પણ ચુંટણી સંબંધીત કામગીરી સુપ્રત નહી કરવા આદેશ આપ્યા છે. ડીજી સિંઘ નાથ ગુપ્તાના સ્થાને પીયુષ પાંડેને જવાબદારી સોંપાઈ છે. કોલકતા પોલીસ કમિશ્ર્નર તરીકે સુપ્રતીય સરકારના સ્થાને અજયકુમાર નંદને જવાબદારી સોંપાઈ છે. આ અંગે તૃણમુલ કોંગ્રેસ જબરો વિરોધ દર્શાવી રાજયસભામાંથી વોકઆઉટ કર્યો હતો.
પંચે આ આદેશનો તાત્કાલીક અસરથી અમલી બનાવ્યા છે. તૃણમુલ કોંગ્રેસે આ બદલી પર સીધો પ્રહાર કરતા કટાક્ષ કર્યો કે ચુંટણીપંચે તેના રાજકીય બોસને ખુશ કરવા આ બદલી કરી છે પણ તે બંગાળની જનતાના હૃદય જીતી શકશે નહી. તેઓ મમતા બેનરજીને લોકોના હૃદયમાંથી દુર કરી શકશે નહી. જયારે ભાજપે જણાવ્યું કે પોલીટીકલ લીંક ધરાવતા કોઈ અધિકારી ચુંટણી મશીનરીમાં સામેલ ન હોય તે નિશ્ર્ચિત કરવામાં આવ્યુ છે.
રાજયમાં બે તબકકામાં ધારાસભા ચુંટણીઓ યોજાઈ રહી છે જે તા.23 અને 29 એપ્રિલે મતદાન થશે.