પશ્ર્ચિમ એશિયામાં વધતા સૈન્ય સંઘર્ષના કારણે 150 પ્રતિ બેરલના ઐતિહાસિક સ્તરે ઉછળી શકે છે ક્રુડ ઓઈલના ભાવ: નાણાકીય રોકાણ વિકલ્પોમાં ઉતાર-ચડાવથી ઈકિવટી શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડમાં જોખમ ઘણુ વધી ગયું
પશ્ર્ચિમ એશિયામાં વધતા તનાવથી રોકાણકારોને દરેક મોરચે ખરાબ ઝટકો લાગ્યો છે. વિશ્ર્લેષકોનું કહેવું છે કે આવું પહેલીવાર જોવા મળ્યું છે કે જયારે બધા રોકાણ વિકલ્પો (એસેટ કલાસ)માં એક સાથે ઘટાડો થયો હોય, આનું મુખ્ય કારણ ક્રુડ ઓઈલના બેફામ વધતા દામ છે. જો ક્રુડ ઓઈલ 150 ડોલર દર બેરલે પહોંચ્યું તો રોકાણકારોનું જોખમ વધી શકે છે.
મધ્ય પુર્વમાં જંગ શરૂ થયા બાદથી ક્રુડ ઓઈલના ભાવ ચાર વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. સંઘર્ષ શરૂ થવાના સમયે આ દામ 72.48 ડોલર દર બેરલે હતો, જે 9 માર્ચે 65 ટકા વધીને ઉછળીને 119.40 ડોલરે પહોંચી ગયો હતો. જો કે, બાદમાં કિંમતમાં કેટલોક ઘટાડો આવ્યો પરંતુ આ ફરી એક વાર 100 ડોલરને પાર નીકળી ગયો છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે જો હોર્મુજ જલમાર્ગ પર પુરવઠો ચારથી આઠ સપ્તાહ બાધીત રહે છે તો ક્રુડ ઓઈલની કિંમત 110થી 150 ડોલર દર બેરલ સુધી જઈ શકે છે. આ સ્થિતિમાં ભારત જેવા ઓઈલ આયાતકાર દેશ માટે શેરબજારમાં ભારે ઘટાડો ચાલુ રહેવાના અને મોંઘવારી ઉછળવાનું બેવડું સંકટ ઉભું થઈ શકે છે.
રોકાણ જોખમ વધ્યું: મધ્ય પુર્વ અને અન્ય ક્ષેત્રોમાં વધેલા સંઘર્ષે અનેક નાણાકીય વિકલ્પોમાં ઉતાર-ચડાવ વધારી દીધો છે, જેથી ભારતીય રોકાણકારોને ભારે ઝટકો લાગી રહ્યો છે. બજાર વિશેષજ્ઞો અનુસાર ઈકિવટી શેર, મ્યુચ્યુઅલ ફંડ, ક્રુડ ઓઈલ સાથે સંકળાયેલા ક્ષેત્ર, મુદ્દા બજાર, બોન્ડ અને કેટલીક કોમોડીટીમાં યુદ્ધના કારણે જોખમ ઘણું વધી ગયું છે. સૌથી મોટી અસર શેરબજારમાં જોવા મળી રહી છે. જયારે પણ વૈશ્ર્વિક સ્તરે યુદ્ધ કે તનાવ વધે છે તો રોકાણકાર જોખમથી બચવા માટે સુરક્ષિત રોકાણ વિકલ્પો તરફ વલણ દાખવે છે. આના કારણે શેર બજારમાં વેચવાલી વધી જાય છે. આંકડા અનુસાર આ મહિને વિદેશી સંસ્થાગત રોકાણકાર (એફપીઆઈ) ભારતીય બજારમાં લગભગ 52,704 કરોડ રૂપિયાની વેચવાલી કરી ચૂકયા છે. ઉભરતા બજારોની તુલનામાં ભારતથી નબળા રિટર્નના કારણે પણ એફપીઆઈનો રસ ઓછો થયો છે.
શેરબજારને વ્યાપક અસર: માર્ચમાં અત્યાર સુધીમાં ઘરેલુ બજારમાં આઠ ટકા સુધીનો ઘટાડો થયો છે. ગત સપ્તાહે પાંચ ટકાથી વધુનો ઘટાડો આવ્યો હતો. કેટલાય વર્ષો બાદ કોઈ એક સપ્તાહમાં બજાર આટલું ગગડયું છે. આ પહેલા 2020માં કોરોનાની શરૂઆતમાં ભારે ઘટાડો આવ્યો હતો. ખાસ કરીને ઓટો, બેન્કીંગ, મેટલ અને ક્ધઝયુમર સેકટરના શેરો પર વધુ વેચવાલી થઈ છે.
આગળની સંભાવના: જો હોર્મુજ જલમાર્ગ આગામી 10 દિવસ બંધ રહે છે તો ક્રુડ ઓઈલ 150 ડોલર સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં ભારત સહિત વૈશ્ર્વિક શેરબજારોમાં લગભગ 10 ટકાથી વધુનો ઘટાડો થઈ શકે છે.
મ્યુચ્યુઅલ ફંડ: સંઘર્ષની સીધી અસર મ્યુચ્યુઅલ ફંડ પર પણ જોવા મળી રહી છે. આંકડા મુજબ ફેબ્રુઆરીમાં લગભગ 65.7 લાખ નવા એસઆઈપી ખાતા ખુલ્યા છે, પરંતુ લગભગ 49.7 લાખ બંધ પણ થઈ ગયા. આથી એસઆઈપી સ્ટોપેજ પ્રમાણ વધીને લગભગ 76 ટકા સુધી પહોંચી ગયા છે.
આગળ વધવાની સંભાવના: ઈકિવટી ફંડમાં ભારે ઉતાર-ચડાવના કારણે રોકાણકારોના પોર્ટ ફોલિયોનું રોકાણ ઘટી શકે છે.