બે દિવસમાં તેલ-ગેસ સાથેના ત્રણ જહાજ મુંદ્રા-કંડલા બંદરે આવ્યા
અખાતમાં હોર્મુઝ સ્ટ્રેટની પશ્ર્ચીમે ભારતીય ધ્વજ સાથેના તમામ 22 જહાજ સુરક્ષિત
મધ્ય પૂર્વમાં ભીષણ યુધ્ધની કટોકટી વચ્ચે ગેસ-ક્રૂડ સાથેના ત્રણ જહાજો ગુજરાતના બંદર પર આવી પહોંચ્યા હતા. 46000 ટન એલપીજી સાથેનું શિવાલીક જહાજ ગઇકાલે મુંદ્રા પોર્ટ પર આવી પહોંચ્યા બાદ આજે 46000 ગેસ ભરેલું જહાજ ‘નંદાદેવી’નું 81000 ટન ક્રૂડ સાથેનું ‘જગ લાડકી’ જહાજ મુંદ્રા પોર્ટ પર આવી પહોંચ્યું હતું. આ બન્ને જહાજ સરકારી કંપની શીપીંગ કોર્પોરેશનની માલિકીના છે. ગેસ ક્રૂડનો નવો પુરવઠો મળતા ભારતમાં સપ્લાય વધુ સરળ બનવાનો આશાવાદ વ્યક્ત થઇ રહ્યો છે.
કેન્દ્રના શીપીંગ મંત્રાલયના સ્પેશ્યલ સચિવ રાજેશકુમાર સિંહાએ કહ્યું હતું કે અખાતના દરિયામાં રહેલા ભારતના તમામ જહાજો સુરક્ષિત છે. ભારતીય ધ્વજ સાથેના 22 જહાજ અખાતના સ્ટ્રેટની પશ્ર્ચિમે છે.
સૂત્રોના કહેવા પ્રમાણે મુંદ્રા આવી પહોંચેલા શિવાલિક જહાજમાંથી 20,000 ટન ગેસ ઇન્ડિયન ઓઇલનો છે. બાકીના 26000 ટનનો જથ્થો મેંગ્લોર પોર્ટ પર અનલોડ થશે.
નંદાદેવી જહાજમાંથી એલપીજી જામનગર નજીક વાડિનાર ખાતે બે નાના જહાજમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને પછી જુદા-જુદા સ્થળોએ મોકલાશે. મુંદ્રામાં ગેસ સંગ્રહ માટે ખાસ સુવિધા છે. પાઇપલાઇન મારફત ગાંધીધામમાં ગેઇલને સપ્લાય થાય છે અને ત્યાંથી નેશનલ ગેસ ગ્રીડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્રણેક જહાજ બંદર પર આવ્યા તે પૂર્વે જ દસ્તાવેજ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી લેવા સાથે પ્રાયોરીટી બર્થની વ્યવસ્થા કરાઇ હતી. સરકારી પોર્ટ દ્વારા જહાજોની મુવમેન્ટ તથા કાર્ગો ઓપરેશન પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. પોર્ટ પર કોઇ માલ ભરાવો ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.