મધ્ય પૂર્વમાં ચાલતા યુધ્ધથી ભારત સહિત દુનિયાભરના અનેક દેશોને વિવિધ ક્ષેત્રોમાં માર પડ્યો છે. ભારતમાં વિવિધ ચીજો મોંઘી થઇ જ છે. હવે 1લી એપ્રિલથી પેઇનક્લિર, એન્ટીબાયોટીક્સ તથા ઇન્ફેક્શન વિરોધી દવાઓના ભાવ પણ વધશે. જથ્થાબંધ ભાવાંકની ગણતરીએ કેન્દ્ર સરકારે આવશ્યકની શ્રેણીમાં આવતી દવાઓના ભાવમાં 0.6 ટકાનો વધારો કરવાની છૂટ્ટ આપી છે.
નેશનલ ફાર્માસ્યુટીકલ્સ પ્રાઇઝીંગ ઓથોરીટીએ જાહેર કર્યું છે કે આર્થિક સલાહકાર, ઉદ્યોગ-વાણિજ્ય મંત્રાલય દ્વારા અપાયેલા આંકડાકીય આર્થિક રીપોર્ટના આધારે આવશ્યકની શ્રેણીમાં આવતી દવાઓમાં 0.64956 ટકાનો વધારો મંજુર કરાયો છે. આવશ્યક શ્રેણી હેઠળની 1000થી વધુ દવાઓને લાગૂ પડશે. વર્ષમાં એક વખત આ આવશ્યક દવાઓના ભાવમાં ફેરફાર કરાય છે.
આવશ્યક દવાઓમાં પેરાસીટામોલ ઉપરાંત એન્ટી બાયોટીક, એન્ટી એનેમીયા વિટામીન, એન્ટી ઇન્ફેક્શન તથા પિનરલ્સ ડ્રગ્ઝનો સમાવેશ થાય છે. અમુક દવા કોવિડથી અસરગ્રસ્ત દર્દીઓ માટે પણ ઉપયોગમાં લેવાય છે. આ સિવાય સ્ટીરોઇડ પણ સામેલ છે.
દવા ઉદ્યોગના સૂત્રોએ કહ્યું કે ઇરાન યુધ્ધને કારણે સપ્લાય ચેઇન પ્રભાવિત થતાં દવાનો ઉત્પાદન ખર્ચ વધવા સમયે નફો કપાયો છે તેવા સમયે સરકારે આ સામાન્ય વધારો મંજુર કર્યો છે. અમુક ફોર્મ્યુલેશનમાં ભાવ ઘણા વધી ગયા છે. જ્યારે સામાન્ય ભાવવધારાથી ઉદ્યોગને કોઇ રાહત થાય તેમ નથી. ફોર્મ્યુલેશનમાં 30 થી 35 ટકાનો વધારો થયો છે.
ગ્લીસરીન 64 ટકા પેરાસીટામોલ 25 ટકા તથા સીપ્રો ફલોક્ષેસીન 30 ટકા મોંઘા થયા છે. પેકેજીંગ સામગ્રીમાં પણ 40 ટકાનો ભાવ વધારો છે. ગ્લીસરીન, પ્રોપીલીન ગ્લાયકોલ તથા સોલવન્ટનો ઉપયોગ તમામ સીરપ, ઓરલ ડ્રોપમાં થાય છે. સરકારે વધુ ભાવવધારો મંજુર કરવાની જરૂર હતી. આ મામલે સરકારમાં રજુઆત કરવામાં આવશે.