Jai Hind

ઉનાળુ વેકેશનમાં 3000 ઓછી ફ્લાઇટ ઉડશે: શિડ્યુલમાં 12 ટકાનો કાપ

ગત ડીસેમ્બર જેવી અંધાધૂંધી રોકવા સમર શિડ્યુલ નકકી કરવામાં ખાસ સાવધાની રખાઇ

મધ્ય પૂર્વમાં યુધ્ધ ખતરનાક સ્તરે પહોંચી રહ્યું છે. વિમાની ઇંધણમાં ભાવવધારો છે તેવા સમયે ઉનાળુ વેકેશનના સમયમાં જ ડોમેસ્ટીક ફ્લાઇટમાં 12 ટકાનો કાપ આવ્યો છે. દેશભરમાં ઉડ્ડયન ક્ષેત્રનું સમર શિડ્યુલ લાગૂ થઇ ગયું છે જેમાં ગત વર્ષની સરખામણીએ આ વખતે 3000 ફ્લાઇટ ઓછી છે.
સૂત્રોએ એમ કહ્યું કે ઇન્ડિગોએ રજુ કરેલા ફ્લાઇટના અંદાજમાં શંકા રાખીને આ કાપ મુકાયો છે. ઇન્ડિગોએ દર સપ્તાહે નવું વિમાન મળવાનું અનુમાન દર્શાવ્યું હતું. સરકારે નવા પ્લેન મળે તેમ-તેમ નવી ફ્લાઇટની દરખાસ્ત કરવાની સાથોસાથ પાયલોટોની સંખ્યા સહિતની વિગતો રજુ કરવા સુચવ્યું છે. ઉડ્ડયન વિભાગના સીનીયર અધિકારીએ કહ્યું કે ગત ડીસેમ્બરમાં ઉડ્ડયન ક્ષેત્રે સર્જાયેલી અંધાધૂંધીનું પુનરાવર્તન રોકવા માટે સરકાર સાવધ છે.
દેશની લગભગ તમામ એરલાઇન્સે ગત ઉનાળાની સરખામણીએ આ વખેત ફ્લાઇટની સંખ્યામાં કાપમ મુક્યો છે. એરલાઇન્સોના અતિશ્યોક્તિભર્યા દાવા મંજુર ન કરવા સરકારે વ્યૂહ અપનાવ્યો છે. નવા વિમાન મળતા જાય તેમ શિડ્યુલમાં ફેરફાર કરતા રહેવાની રણનીતિ છે.
ગત ઉનાળામાં ડીરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવીએશને અઠવાડિયાની 25610 ફ્લાઇટ મંજુર કરી હતી. આગલા વર્ષ કરતાં 5.5 ટકા વધી હતી. આ વખતે 12 ટકાનો કાપ છે.
સંખ્યાની દ્રષ્ટિએ 3000 ફ્લાઇટ ઓછી રહેશે. સરકારનું એવું પણ માનવું છે કે વિમાની ઉંધણના ઉંચા ભાવને કારણે વિમાની ભાડા વધારાથી પણ ડીમાંડને ફટકો પડી શકે છે.

1700 નવા વિમાનના ઓર્ડર પણ તે મળવામાં 15 વર્ષ લાગી જશે
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું કે ભારતીય ઉડ્ડયન ક્ષેત્રને નવા વિમાનોની ખરીદીમાં અનેકવિધ અવરોધનો સામનો કરવો પડી રહ્યો છે. એરલાઇન્સો દ્વારા નવા 1700 વિમાનોના ઓર્ડર આપવામાં આવ્યા છે. પરંતુ સપ્લાય ચેઇનમાં અવરોધને કારણે તે મળવામાં 15 વર્ષ લાગી જાય તેમ છે. આ વિમાનો ઉડાડવામાં 30 હજાર પાયલોટની જરૂર પડશે. સરકાર વિમાનોના સ્વદેશમાં ઉત્પાદન પર પ્રયાસ કરી રહી છે.

એરલાઈન્સોને રાહત આપવા વિમાની ઈંધણ પર ટેકસ ઘટાડવાની વિચારણા
મધ્યપુર્વમાં યુદ્ધને કારણે વિમાની ઈંધણના ઉંચા ભાવ તથા વખતોવખત શિડયુલ ખોરવાવાને કારણે એરલાઈન્સ પર ઘણુ દબાણ છે ત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એરલાઈન્સોને રાહત આપવા માટેના વિકલ્પો ચકાસવામાં આવી રહ્યા છે. એટીએફ પરના ટેકસમાં રાજય સરકારોની મદદ સાથે રાહત આપવાની વિચારણા છે. અમેરિકા-ઈઝરાયેલ તથા ઈરાન વચ્ચેના યુદ્ધને એક મહિનો થઈ ગયો છે. હવાઈ ક્ષેત્ર પર નિયંત્રણોને કારણે ફલાઈટો પ્રભાવિત થઈ રહી છે.

60 ટકા સીટ પર કોઇ વધારાના ચાર્જ નહીં વસુલી શકાય: નવા નિયમનો 20 એપ્રિલથી અમલ
વિમાની મુસાફરોને રાહત આપવા માટે 60 ટકા સીટો પર કોઇ વધારાના ચાર્જ નહીં લાદવાનો નિયમ બનાવવામાં આવ્યો છે તેનો અમલ આગામી 20મી એપ્રિલથી શરૂ થશે. પ્રવર્તમાન નિયમો હેઠળ એરલાઇન્સો હાલ માત્ર 20 ટકા બેઠકો પર જ કોઇ વધારાના ચાર્જ વસુલતી નથી. બાકીની સીટો પર 200થી માંડીને 2100 રૂપિયા સુધીના જુદા-જુદા ચાર્જ વસુલે છે. હવે ફ્લાઇટની કુલ ક્ષમતાની 60 ટકા સીટો ‘ફ્રી શ્રેણી’માં રહેશે. અર્થાત તેના પર કોઇ ચાર્જ વસુલી નહીં શકાય. એરલાઇન્સોએ બુકિંગ વેબસાઇટ પર જ તે સ્પષ્ટ રૂપે દર્શાવવું પડશે. એક જ પીએનઆર નંબર પર ટીકીટ બુક કરાવનારા સાથી પ્રવાસીઓની સીટ બાજુમાં જ કે એક જ હરોળમાં રહે તે માટે પણ સુવિધા કરવાની રહેશે. આ નિયમો સામે એર ઇન્ડિયા, ઇન્ડિગો, સ્પાઇસ જેટ જેવી એરલાઇન્સોએ વાંધો ઉઠાવ્યો જ હતો.