વસ્તી ગણતરીના ડેટા ગુપ્ત રહેશે: RTI હેઠળ પણ નહી મળે
દેશમાં તા.1થી જનગણના એટલે કે વસ્તી ગણતરી શરુ થઈ રહી છે તેમાં જે વ્યક્તિગત ડેટા ગણતરી કરનાર આપશે તે સંપૂર્ણપણે ગુપ્ત રહેશે અને માહિતીના અધિકાર હેઠળ પણ આ ડેટા કોઈ સાથે શેર કરાશે નહી. દેશના રજીસ્ટ્રાર જનરલ અને જનગણનાના વડા મૃત્યુંજયકુમાર નારાયણે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે વસ્તી ગણતરી ધારાની 15 હેઠળ વ્યક્તિગત ડેટાને કોઈ સાથે શેર કરાશે નહી અને અદાલતમાં પણ તે પુરાવા રૂપે રજુ કરી શકાશે નહી એટલું જ નહી અન્ય કોઈ સંસ્થા સાથે પણ તે અપાશે નહી અને માહિતીના અધિકાર હેઠળ પણ તે ડેટા મળશે નહી. તેમણે જણાવ્યું કે આ અંગે અધિકારીઓને સખ્ત ચેતવણી અપાઈ છે અને કોઈપણ નાગરિકના ડેટા તે અન્ય કોઈને આપશે નહી. નહીતર તેમાં ત્રણ વર્ષની જેલસજા સહિતની જોગવાઈ કરવામાં આવી છે.
પત્રકાર પરિષદમાં શ્રી મૃત્યુંજયકુમાર નારાયણે જણાવ્યું હતું કે તા.1 થી પ્રથમ તબકકામાં હાઉસ લીસ્ટીંગ અને હાઉસીંગ જનગણનાનું ફિલ્ડવર્ક અનેક રાજયોમાં શરૂ થશે અને પુરી રીતે ડિજીટલ કામગીરી થશે. તેમણે કહ્યું કે આ કામગીરીમાં રાજયની પણ ભૂમિકા હશે. તેઓએ અધિકારીઓ અને કર્મચારીઓને ચેતવણી આપતા કહ્યું કે કોઈપણ પ્રકારની લાપરવાહી ચલાવી લેવાશે નહી. ડેટાનો દુરુપયોગ કરનાર સામે કાર્યવાહી થશે.
નાગરિકોને વાંધાજનક સવાલ પૂછી શકાશે નહી અને જો પુછાશે તો તે અપરાધ મનાશે તથા આ પ્રકારની કામગીરીમાં કોઈ વિધ્ન પણ સર્જી શકાશે નહી.