લોન રીપેમેન્ટમાં રાહત, રો-મટીરીયલ્સ પરની આયાત જકાતમાં 2.5 થી 5 ટકા સુધીના ઘટાડા સહિત કોરોના કાળ જેવી છુટછાટો આપવા વિચારણા
મધ્ય પૂર્વના યુધ્ધને કારણે પેટ્રોલીયમ સંકટ સહિતના કારણોસર કોર્પોરેટ જગતને મોટો માર પડી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે ઉદ્યોગ જગત માટે રાહત પેકેજ જાહેર કરવાની વિચારણા શરૂ કરી છે.
ટેક્સમાં છૂટ્ટછાટ અથવા લોન ચુકવણીમાં રાહત જેવા કોઇ સ્વરૂપે આ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે.
કેન્દ્રીય વ્યાપાર મંત્રાલય દ્વારા રાહત પેકેજનો મુસદો તૈયાર કરાય રહ્યો છે અને આવનારા દિવસોમાં તેનું એલાન થઇ શકે છે.
કેન્દ્ર સરકારના સૂત્રોએ કહ્યું છે કે ઉદ્યોગ જગતને અનેક સ્તરે રાહત આપવાની ચિવારણા કરવામાં આવી રહી છે. સૌ પ્રથમ ઔદ્યોગિક લોનની પુર્નચુકવણીમાં વધુ સમય આપવામાં આવી શકે છે. કોરોના વખતે પણ સમાન પ્રકારની રાહત આપવામાં આવી હતી. મુખ્યત્વે એમએસએમઇ ક્ષેત્ર માટે આ પ્રકારનું એલાન થઇ શકે છે. ક્યા-ક્યા ઉદ્યોગ ક્ષેત્રોને રાહત આપવી તે વિશે નાણાં મંત્રાલયની આંતરિક સમિતિ આખરી નિર્ણય લેશે.
સૂત્રોએ કહ્યું કે યુધ્ધની અસર ક્યા-ક્યા ક્ષેત્રોમાં કેટલી હદે છે તે વિશે સમીક્ષા કરવામાં આવી રહી છે અને તેના આધારે રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. પ્રારંભિક તબકકે ત્રણ મહિના માટે લોન રીપેમેન્ટમાં છુટછાટ અપાશે. યુધ્ધ લાંબુ ચાલવાના સંજોગોમાં સમયગાળો વધારવા પર વિચાર કરવામાં આવશે. તમામ પાસાઓને લક્ષ્યમાં રાખીને અત્યારથી જ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. યુધ્ધ લાંબુ ચાલે તો વધુ કેવા અને કેટલા પગલા લેવા પડશે તેનો પણ પ્લાન તૈયાર થઇ રહ્યો છે.
સરકાર ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્ર પર ખાસ વિચારણા કરી રહી છે. રો-મટીરીયલ્સ પરની આયાત-જકાતમાં અઢી ટકા સુધીની રાહત આપવાની વિચારણા છે. અમુક શ્રેણીમાં પાંચ ટકાની છુટ્ટ અપાશે જે 3 થી 6 મહિના સુધી ચાલુ રખાશે. ખાસ કરીને પ્લાસ્ટીક ટેક્સટાઇલ્સ જેવા ક્ષેત્રોમાં વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. રીફંડ પણ ઝડપથી મળે તેવી વ્યવસ્થા થશે.