Jai Hind

યુધ્ધ ખત્મ થવાના આશાવાદથી વલણ બદલાયું શેરબજારમાં 1186 પોઇન્ટની તેજી બાદ આંશિક ઘટાડો: સોના-ચાંદી ઉંચકાયા: ક્રૂડતેલ નરમ પડ્યું

સેન્સેક્સ 73964 થયા બાદ 73141: મોટાભાગના શેરોમાં તેજી; ઓલરાઉન્ડ લેવાલી

મધ્ય પૂર્વમાં ચાલતા યુધ્ધમાં વિરામ આવશે કે વધુ ભડકશે તે વિશે વધુ એક વખત અનિશ્ર્ચિતતાનો માહોલ સર્જાયો છે. યુધ્ધ ખતમ થવાના આશાવાદ હેઠળ આજે શેરબજાર તથા સોના-ચાંદીમાં તેજી થઇ હતી જ્યારે ક્રુડતેલના ભાવ નીચા આવ્યા હતા.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2-3 સપ્તાહમાં સૈન્ય પાછુ ખેંચાઇ જવાની જાહેરાત સાથે આજે રાષ્ટ્રજોગ સંબોધનનું પણ એલાન કર્યું છે. યુધ્ધવિરામની અટકળો-આશાવાદ વ્યકત કરવામાં આવી રહ્યો છે. યુધ્ધ ખત્મ થવાના સંજોગોમાં પેટ્રોલીયમથી માંડીને તમામ મોરચે રાહત થવાના, સપ્લાય ચેઇન પૂર્વવત થવાના તથા અર્થતંત્રનો પડનારા સંભવિત મારનું જોખમ દૂર થવાની આશા વ્યકત થવા લાગી હતી. નાણાં સંસ્થાઓની જંગી ખરીદી ઉપરાંત ઓલરાઉન્ડ લેવાલી તથા વેચાણ કાપણીનો પ્રભાવ હતો. વિશ્ર્વબજારની જબરદસ્ત તેજીથી લોકલ સ્તરે મજબૂત ટેકો મળ્યો હતો. ક્રૂડતેલ નીચુ આવતા સારી અસર હતી. કરન્સી માર્કેટ બંધ હતું છતાં કાલે ખુલતામાં ડોલર સામે રૂપિયો ઉંચકાવાની ગણતરી મુકાતી હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે હવે ટ્રમ્પના રાષ્ટ્રજોગ સંબોધનની નિર્ણાયક અસર થશે અને આવતીકાલે જોરદાર એક્શન જોવા મળે તેવી શક્યતા છે.
શેરબજારમાં આજે કોચીન શીપયાર્ડ, મઝગાંવ ડોક, ભારત ડાયનામીક, ડીમાર્ટ, એચડીએફસી બેંક, ઇન્ડીગો, આઇસીઆઇસીઆઇ બેંક, વોડાફોન, યસ બેંક, અરવિંદો ફાર્મા, ઓએનજીસીમાં ઉછાળો હતો. બ્લુસ્ટાર, હુન્ડાઇ મોટર્સ, ડો. રેડ્ડી, ટોરન્ટ ફાર્મા, અશોક લેલેન્ડ, સીપ્લા, હેવલ્સ વગેરેમાં ઘટાડો હતો.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 1186 પોઇન્ટના ઉછાળાથી 73141 હતો તે ઉંચામાં 73964 તથા નીચામાં 72971 હતો. નિફટી 340 પોઇન્ટ વધીને 22671 હતો તે ુંચામાં 22941 તથા નીચામાં 22618 હતો.
બુલીયન બજારમાં હાજર સોનુ 33500ના ઉછાળાથી 155200 હતું. વિશ્ર્વ બજારમાં 4720 ડોલર હતું. હાજર ચાંદી 3000 વધીને 2.45 લાખ હતી. વિશ્ર્વ બજારમાં ભાવ 74.50 ડોલર હતી.
યુધ્ધ ખત્મ થવાના આશાવાદથી ક્રૂડતેલ નબળું પડ્યું હતું. ડબલ્યુટીઆઇ ક્રૂડ 100 ડોલર હતું. બ્રેન્ટ ક્રૂડ ઇન્ટ્રા-ડે 100 ડોલરથી નીચે ઉતરી ગયા બાદ ફરી વધીને 102.79 ડોલર હતું.