Jai Hind

શેર સામે હવે મહત્તમ 1 કરોડની જ લોન મળશે

મધ્ય પૂર્વના યુધ્ધને કારણે શેરબજારમાં કડાકાભડાકા વચ્ચે અસ્થિરતાનો માહોલ છે ત્યારે વધુ સંભવિત જોખમ સામે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મોટો નિર્ણય લીધો છે જે અંતર્ગત શેર સામે અપાતા ધિરાણમાં એક કરોડની મર્યાદા લાગૂ કરી દેવામાં આવી છે. આ નિર્ણયનો અમલ 1 જુલાઇથી થશે. જો કે, આ નિયમ 1 એપ્રિલથી અમલી બનવાનો હતો પરંતુ તેમાં મુદત આપવાની માંગ ઉઠતા તેમાં વધુ ત્રણ મહિનાની મુદત આપવામાં આવી છે.
રિઝર્વ બેન્કના નિયમ મુજબ વ્યક્તિગત ધિરાણકર્તા માટે આ જોગવાઇ રહેશે અને સમગ્ર બેકિંગ સિસ્ટમમાં સમાન ધોરણો લાગૂ થશે. અત્યાર સુધી દરેક બેંકોની અલગ-અલગ મર્યાદા હતી. અર્થાત બેંકો પોતપોતાના નિયમો હેઠળ ધિરાણ આપતા હતા. રિઝર્વ બેંકના કહેવા પ્રમાણે સટ્ટાકીય પ્રવૃત્તિને નિયંત્રિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા વર્ષોમાં ઇન્વેસ્ટરોની સંખ્યામાં ઘણો મોટો વધારો થયો છે. નવા રોકાણમાં રેકોર્ડબ્રેક વધારાને પગલે સિસ્ટમ પર જોખમ વધ્યું છે તેને ધ્યાનમાં રાખીને બેંકો માટે સ્પષ્ટ દિશાનિર્દેશો જારી કરવામાં આવ્યા છે. શેરબજારના નિષ્ણાંતોએ એમ કહ્યું છે કે રિઝર્વ બેંકના આ નિર્ણયથી ટુંકાગાળા માટે રોકાણને અસર થઇ શકે છે.