એરલાઈન્સ કંપનીઓના દબાણ સામે સરકાર ઝુકી
કેન્દ્ર સરકારે અગાઉ એરલાઈન્સ કંપનીઓને આદેશ આપ્યો હતો કે દરેક ફ્લાઈટમાં ઓછામાં ઓછી 60 ટકા સીટો કોઈપણ વધારાના ચાર્જ વગર મુસાફરોને ઉપલબ્ધ કરાવવી પડશે. જોકે, એરલાઈન્સ કંપનીઓના ભારે વિરોધ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ નિર્ણયને હાલ પૂરતો સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે. આ આદેશ 20 એપ્રિલથી લાગુ થવાનો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવે જણાવ્યું છે કે આ નિયમનો સંપૂર્ણ પ્રભાવ આકલન ન થાય ત્યાં સુધી અમલ કરવામાં આવશે નહીં.
ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટ જેવી મોટી કંપનીઓએ ’ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ’ દ્વારા સરકારને પત્ર લખીને આ ચિંતા વ્યક્ત કરી હતી. કે જો 60% સીટો મફત કરી દેવામાં આવશે, તો તેમની આવક પર સીધી અસર પડશે.
” સીટ સિલેક્શન ચાર્જ એ તેમની આવકનો એક મહત્વનો ભાગ છે, જેનાથી તેઓ ઓપરેશનલ ખર્ચ પૂરો કરે છે. ” આ નુકસાનની ભરપાઈ કરવા માટે તેમણે ટિકિટના મૂળ ભાવમાં વધારો કરવો પડી શકે છે, જે અંતે મુસાફરોને જ ભારે
પડશે.
વિમાન કંપનીઓ સીટ પ્રેફરન્સ (પસંદગીની સીટ) માટે અલગથી ચાર્જ વસૂલે છે. આ આગળની સીટ, એક્સ્ટ્રા લેગ રૂમ જેવી સુવિધાઓ પર નિર્ભર કરે છે. આ માટે 200 રૂપિયાથી લઈને 2100 રૂપિયા સુધી અલગથી લેવામાં આવે છે.
એવિએશન સેક્ટરના નિયમનકારો અને સરકારી અધિકારીઓ વચ્ચેની બેઠક બાદ એવું નક્કી કરવામાં આવ્યું કે હાલના તબક્કે આ યોજના વ્યવહારુ નથી.