Jai Hind

એર ઇન્ડિયાએ ટીકીટનાં ભાડામાં રૂા.ર600 સુધીનો વધારો કર્યો : આજથી જ અમલ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે જેટ ઇંધણના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેની અસર હવે હવાઈ મુસાફરો પર પડી રહી છે. દેશની અગ્રણી એરલાઇન એર ઇન્ડિયાએ વધતા ખર્ચના દબાણને ધ્યાનમાં રાખીને તેના ઇંધણ શુલ્કમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. એરલાઇનના આ પગલાને પગલે, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ફ્લાઇટ્સ માટે ટિકિટના ભાવમાં વધારો થવાની તૈયારીમાં છે, આગામી દિવસોમાં સ્થાનિક ફ્લાઇટ્સના ભાડામાં 299 થી 899નો વધારો થશે. આંતરરાષ્ટ્રીય ટિકિટના ભાવમાં 2,200 થી26,000 સુધીનો વધારો થશે.
વિશ્ર્વભરમાં જેટ ઇંધણના ભાવમાં તીવ્ર વધારા બાદ, એર ઇન્ડિયાએ તેના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને રૂટ પર ઇંધણ સરચાર્જમાં સુધારો કર્યો છે. આ ફેરફાર મોટાભાગના રૂટ પર બુધવાર, 8 એપ્રિલથી અમલમાં આવશે. યુરોપ, ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયા માટે, સુધારેલ સરચાર્જ 10 એપ્રિલ, 2026 થી લાગુ થશે. એરલાઇનના જણાવ્યા અનુસાર, ટિકિટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને ભારતીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલા સંતુલિત અભિગમ પછી લેવામાં આવ્યો હતો.
ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ડેટા અનુસાર, 27 માર્ચના રોજ પૂરા થયેલા મહિનામાં જેટ ઇંધણનો સરેરાશ વૈશ્વિક ભાવ પ્રતિ બેરલ 195.19 થયો હતો. ફેબ્રુઆરીમાં આ ભાવ પ્રતિ બેરલ 99.40 હતો. આ એક જ મહિનામાં ઇંધણના ભાવમાં લગભગ 100 ટકાનો વધારો દર્શાવે છે. આનાથી વિશ્વભરની એરલાઇન્સ માટે ઇંધણ સૌથી મોટા ખર્ચ દબાણમાંનું એક બન્યું છે.