નવી દિલ્હી: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા તેની તમામ ફેલોશિપ અને સ્કોલરશિપ યોજનાઓના વિતરણ માટે આધાર-આધારિત ચુકવણી સિસ્ટમને ફરજિયાત બનાવવામાં આવી છે. હવેથી તમામ સ્કોલરશિપ અને ફેલોશિપની રકમ માત્ર આધાર કાર્ડ સાથે લિંક થયેલા બેંક ખાતાઓમાં જ જમા કરવામાં આવશે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ આ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે તમામ લાભાર્થીઓએ તેમના બેંક ખાતામાં ’આધાર સીડિંગ’ કરાવવું અનિવાર્ય રહેશે. જો કોઈ વિદ્યાર્થીનું ખાતું આધાર સાથે લિંક નહીં હોય અથવા પોર્ટલ પર વિગતો અપડેટ નહીં હોય, તો તેમની ચુકવણીમાં વિલંબ કે અટકાવ આવી શકે છે. આ નવી વ્યવસ્થા મુજબ, વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ એન્ડ ફેલોશિપ મેનેજમેન્ટ પોર્ટલ પર 15 એપ્રિલ સુધીમાં આધાર સીડિંગની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ, નોડલ અધિકારીઓએ 20 એપ્રિલ સુધીમાં આ વિગતોને ચકાસવાની અને મંજૂર કરવાની રહેશે, જેથી નાણાકીય વર્ષ 2026-27માં સમયસર ચૂકવણી સુનિશ્ચિત કરી શકાય. વિદ્યાર્થીઓને તેમના બેંક ખાતા એક્ટિવ રાખવા અને પોર્ટલ પર નોંધાયેલી વિગતો સત્તાવાર રેકોર્ડ સાથે મેળ ખાતી હોય તેની ખાતરી કરવા સલાહ આપવામાં આવી છે.