ભારતીય ચોમાસા માટે વિલન બનતા અલનીનોની અસર આ વર્ષે દેખાશે: ખાનગી હવામાન એજન્સી
ચોમાસુ સામાન્યથી છ ટકા ઓછુ રહેશે: જૂનથી અલનીનોની અસર દેખાવા લાગશે: દેશના 30 ટકા વિસ્તારોમાં દુષ્કાળ અને 40 ટકા વિસ્તારોમાં ચોમાસુ સામાન્યથી ઓછુ રહેવાની ધારણા
જો કે હવામાન વિભાગની સતાવાર આગાહીની રાહ: ખરીફ પાક માટે મહત્વના ચોમાસા અંગેની આગાહી હાલની યુદ્ધ સહિતની સ્થિતિમાં વધુ ચિંતા કરાવે તેવા સંકેત
એક તરફ દેશના અર્થતંત્રથી લઈ સામાન્ય માનવી માટે ઈરાન યુદ્ધ એ સૌથી મોટી મોંઘવારી અને ભાવવધારાની સમસ્યા લાવી રહ્યું છે તે સમયે આગામી જૂન માસથી પ્રારંભ થનાર નૈઋત્યનું ચોમાસુ પણ નબળુ રહેશે તેવી આગાહી ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે. જૂનથી સપ્ટેમ્બરનું આ ચોમાસુ દેશના ખરીફ પાક માટે સૌથી મહત્વનું છે અને રવિ પાકમાં પણ મોટી ભૂમિકા ભજવે છે તેમજ દેશની પાણીની આવશ્યકતા પણ નૈઋત્યનું ચોમાસુ પુરી કરે છે. તે સમયે સ્કાયમેટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ભારતના ચોમાસા પર અલનીનોની અસર હશે અને તે સામાન્યથી છ ટકા ઓછું એટલે કે સરેરાશ 94 ટકા રહેશે. નૈઋત્યના ચોમાસા અંગેનો આ સર્વપ્રથમ આગાહી રિપોર્ટ છે. જો કે ભારતીય હવામાન ખાતુ આગામી દિવસોમાં તેનો પ્રથમ રિપોર્ટ આવશે તેના પર સૌની નજર છે. જે ચાલુ માસના અંતે આવી શકે છે. સ્કાયમેટ દ્વારા જણાવાયું છે કે દેશમાં સરેરાશ 817 મીલીમીટર વરસાદ થશે અને 30 ટકા શકયતા દુષ્કાળની પણ છે. 40 ટકા શકયતા સામાન્યથી ઓછા વરસાદની એજન્સી દ્વારા કરવામાં આવી છે. જો કે જૂન માસમાં ચોમાસાનો પ્રારંભ સારો હશે. પરંતુ ત્યારબાદ ચોમાસુ નબળુ પડતુ જશે અને ખાસ કરીને પેસીફીક સમુદ્રમાં જે અલનીનોની અસર સર્જાઈ છે તે ભારતના ચોમાસાને અસર કરશે. જુલાઈ અને ઓગષ્ટ માસ એ દેશના ખરીફ ઉત્પાદન માટે સૌથી મહત્વનું ગણવામાં આવે છે. સ્કાયમેટ દ્વારા જણાવાયું છે કે દેશના ઉતર-પશ્ર્ચિમ તથા મધ્યભાગમાં ચોમાસુ સામાન્યથી ઓછુ રહેશે.