સોનામાં 3200 તથા ચાંદીમાં 13000નો ઉછાળો: ડોલર સામે રૂપિયો 41 પૈસા ઉંચકાયો
યુધ્ધ વિરામના એલાનથી માનસ બદલાયું: ક્રૂડતેલ 100 ડોલરની નીચે ઉતરી 91 ડોલર થઇને 96 ડોલર
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુધ્ધમાં ‘નિર્ણાયક એટેક’ પૂર્વે જ આજે 40મા દિવસે બે અઠવાડિયાના સીઝફાયરની જાહેરાત થતાં માર્કેટોમાં જબરદસ્ત તેજી થઇ છે. વિશ્ર્વભરના શેરબજારોમાં જોરદાર ઉછાળા વચ્ચે ભારતીય સેન્સેક્સમાં 3000 પોઇન્ટથી વધુનો જોરદાર ઉછાળો નોંધાયો હતો. ઇન્ટ્રા-ડે નિફટી 24000ની સપાટી વટાવી ગયો હતો. સોના-ચાંદી તથા રૂપિયામાં તેજી થઇ હતી. જ્યારે ક્રૂડતેલમાં 19 ટકાનો પ્રચંડ કડાકો સર્જાયો હતો. ઇન્વેસ્ટરોની સંપત્તિમાં કલાકોમાં જ 14 લાખ કરોડનો ધરખમ વધારો થઇ ગયો હતો.
મધ્ય પૂર્વ યુધ્ધને કારણે દુનિયાભરમાં પેટ્રોલીયમ સંકટથી માંડીને સપ્લાય ચેઇન પ્રભાવિત થવા લાગી હતી. વૈશ્ર્વિક અર્થતંત્ર પર ગંભીર અસર થવાના ભણકારા વાગવા લાગ્યા હતા તેવા સમયે જ બે સપ્તાહનું યુધ્ધવિરામ જાહેર થતાં હવે વાટાઘાટો દ્વારા કાયમી ઉકેલની આશા ઉભી થઇ છે. આ જાહેરાતને પગલે શેરબજાર ગેપઅપ ખુલ્યું હતું. ઓલરાઉન્ડ લેવાલી તથા મોટાપાયે વેચાણ કાપણીથી તેજીના માર્ગે આગળ દોડવા લાગ્યું હતું. ક્રૂડમાં કડાકાથી તથા સપ્લાય ચેઇન પૂર્વવત થવાની આશાથી મોટો હાશકારો હતો.
શેરબજારમાં આજે અશોક લેલેન્ડ, ઇન્ડીગો, પ્રેસ્ટીજ એસ્ટેટ, ચોલા ઇન્વેસ્ટમેન્ટ, એચડીએફસી બેંક, લાર્સન, આઇસીઆઇસીઆઇ બેંક, બીએસઇ, વોડાફોન, યસ બેંક, ટાઇટન, આનંદ રાઠી, વારી એનર્જી સહિતના શેરો ઉંચકાયા હતા. ઓઇલ ઇન્ડિયા, કોલ ઇન્ડિયા, નેલ્કો, ઓએનજીસી જેવા શેરોમાં ઘટાડો હતો.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 2865 પોઇન્ટના ઉછાળાથી 77482 હતો તે ઉંચામાં 77624 તથા નીચામાં 77042 હતો. નિફટી 842 પોઇન્ટના ઉછાળાથી 23964 હતો તે ઉંચામાં 24025 તથા નીચામાં 23828 હતો. બેંક નિફટીમાં 2510 પોઇન્ટ તથા મીડકેપ ઇન્ડેક્સમાં 1900 પોઇન્ટનો ઉછાળો હતો.
બીએસઇમાં આજે 4446 શેરોમાં કામકાજ થયા હતા તેમાંથી 3836માં ઉછાળો હતો. જ્યારે 482 નબળા હતા. 90 શેરો વર્ષની ઉંચાઇએ પહોંચ્યા હતા ત્યારે 24 વર્ષના તળીયે હતા. 363 શેરોમાં તેજીની સર્કીટ લાગી હતી જ્યારે 88માં ઉંધી સર્કીટ હતી.
શેરબજારમાં તેજીને પગલે ઇન્વેસ્ટરોની સંપત્તિમાં કલાકોમાં જ 14 લાખ કરોડનો વધારો થઇ ગયો હતો. જેને પગલે બીએસઇનું માર્કેટ કેપીટલાઇઝેશન વધીને 444.75 લાખ કરોડો પહોંચ્યું હતું.
સોના-ચાંદીમાં પણ તોતીંગ તેજી હતી. વિશ્ર્વ બજારમાં સોનુ 89 ડોલર ઉંચકાઇને 4796 ડોલર થયું હતું. લોકલ માર્કેટમાં સોનુ વાયદો, 3200ના ઉછાળાથી 153550 હતું. ચાંદી વાયદામાં 13000ના ઉછાળાથી 244380 હતી. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો 41 પૈસાના ઉછાળાથી 92.58 થયો હતો. બીજી તરફ ક્રૂડતેલમાં પ્રચંડ કડાકો હતો. ડબલ્યુટીઆઇ ક્રૂડ 91.05 ડોલર થઇને 95.67 ડોલર હતું. બ્રેન્ટ ક્રૂડ 19 ટકા ગગડીને 91.88 ડોલર થયા બાદ 94.80 ડોલર સાંપડ્યું હતું.