Jai Hind

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રો માટે એલપીજીની જથ્થાબંધ ફાળવણી લંબાવી

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (એમઓપીએનજી)એ પુરવઠાની બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે ઔદ્યોગિક વપરાશ માટે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) સતત અને સ્થિર રીતે ઉપલબ્ધ થતો રહે તેની ખાતરી કરવા માટે એક આદેશ બહાર પાડ્યો છે.
એમઓપીએનજીના સચિવ ડો. નીરજ મિત્તલે ભારત સરકારના તમામ સચિવો અને તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ફાર્મા, ફૂડ પ્રોસેસિંગ, પોલીમર, કૃષિ, પેકેજિંગ, પેઇન્ટ, સ્ટીલ, મેટલ, સિરામિક, ગ્લાસ, એરોસોલ, ફાઉન્ડ્રી, ફોર્જિંગ, હેવી વોટર, યુરેનિયમ અને સીડ સેક્ટર્સના ઔદ્યોગિક એકમોને માર્ચ 2026 પહેલાના તેમના જથ્થાબંધ એલપીજી વપરાશના 70% પ્રાપ્ત થશે, જે પ્રતિદિન 0.2 ટીએમટીની એકંદર ક્ષેત્રીય ટોચમર્યાદાને આધીન રહેશે. તે 16થી 27 માર્ચ વચ્ચે થયેલા સંચાર પર આધારિત છે, જેમાં વધારાના 10% પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) સુધારણાના સીમાચિહ્નો સાથે જોડાયેલા છે. આ અભિગમ વૈકલ્પિક ઇંધણના આંતરમાળખાં પર ક્રમિક રીતે પરિવર્તિત થવાને પ્રોત્સાહન આપવાની સાથે એલપીજીના પ્રમાણબદ્ધ વિતરણની ખાતરી કરે છે.
એમઓપીએનજીએ વધુમાં જણાવ્યું હતું કે, જે ઉદ્યોગોની ઉત્પાદનપ્રક્રિયામાં એલપીજી એક મહત્વપૂર્ણ અને બિન-વૈકલ્પિક ઇનપુટ તરીકે ઉપયોગમાં લેવાય છે, તેમને ફાળવણીમાં આંતરિક પ્રાથમિકતા આપવામાં આવશે. આ પ્રકારના ક્ષેત્રો માટે પીએનજી કનેક્ટિવિટી માટે અરજી કરવાની જરૂરિયાત રદ કરવામાં આવી છે, જે નિર્ધારિત શરતોનું પાલન કરવાની સાથે ઔદ્યોગિક કામગીરી પર કોઈ અસર ન થાય તેની ખાતરી કરે છે.