આરોપી પાસેથી હાઈ-ટેક લેપટોપ, અનેક મોબાઈલ ફોન, હાર્ડ ડિસ્ક અને વિદેશી બેંક ખાતાઓની વિગતો મળી આવી
બક્સર: બિહારના બક્સર જિલ્લામાંથી સુરક્ષા એજન્સીઓએ એક એવા હેકરની ધરપકડ કરી છે જેણે દેશની સુરક્ષા વ્યવસ્થામાં ખળભળાટ મચાવી દીધો છે. આ શખ્સ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા સાથે જોડાયેલી અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ માહિતી ડાર્ક વેબ પર વેચવાનો ગંભીર આરોપ છે.
બક્સર પોલીસે પીએમ નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં અમન તિવારી નામના વ્યક્તિ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ યુએસની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)ને એક ઈમેલ મોકલ્યો હતો, જેમાં પૈસાના બદલામાં પીએમ મોદી પર હુમલો કરવાની ઓફર કરવામાં આવી હતી. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સને બાતમી મળી હતી કે બક્સરનો એક યુવક પ્રતિબંધિત વેબસાઈટ્સ અને ડાર્ક વેબ દ્વારા દેશના ઉચ્ચ પદાધિકારીઓની સુરક્ષા વિગતો લીક કરી રહ્યો છે. આ માહિતીના આધારે સ્થાનિક પોલીસની મદદથી દરોડો પાડીને આરોપીની અટકાયત કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અમન ઇન્ટરનેટના માધ્યમથી પાકિસ્તાન અને અન્ય કેટલાક દેશોના હેકર્સ તથા એજન્ટો સાથે વાતચીત કરતો હતો. તે પીએમ મોદીના કાર્યક્રમો, તેમના સુરક્ષા ઘેરા અને અન્ય મહત્વપૂર્ણ વિગતો એકઠી કરી રહ્યો હતો. તેની પાસેથી મળેલા ઉપકરણોની તપાસમાં કેટલીક એવી ચેટ્સ અને નકશાઓ મળી આવ્યા છે જે કોઈ મોટા હુમલાના ષડયંત્ર તરફ ઈશારો કરે છે.
આરોપી પાસેથી હાઈ-ટેક લેપટોપ, અનેક મોબાઈલ ફોન, હાર્ડ ડિસ્ક અને વિદેશી બેંક ખાતાઓની વિગતો મળી આવી છે. તેના ડિવાઈસમાંથી ઙખ મોદીની સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજોના સ્ક્રીનશોટ અને ફાઈલો પણ મળી હોવાનું કહેવાય છે, જેની અત્યારે ફોરેન્સિક તપાસ ચાલી રહી છે.
વડાપ્રધાનની સુરક્ષા એ ’ટોપ પ્રાયોરિટી’ હોય છે, ત્યારે આ પ્રકારની માહિતી લીક થવી એ દેશની આંતરિક સુરક્ષા માટે મોટો પડકાર છે. પોલીસ અત્યારે એ તપાસ કરી રહી છે કે આ હેકર કોઈ આંતરરાષ્ટ્રીય ગેંગ અથવા આતંકવાદી સંગઠન સાથે સીધો જોડાયેલો છે કે કેમ.