Jai Hind

એમઓપીએનજીએ 5 કિલોના એલપીજી સિલિન્ડરના સપ્લાયને વિસ્તાર્યો, સ્થળાંતર કરનારા લોકો માટે એલપીજીને વધુ સુલભ બનાવ્યો

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (એમઓપીએનજી)એ સમગ્ર દેશમાં સ્થળાંતર કરનારા શ્રમિકો અને વંચિત સમુદાયો માટે રસોઈ કરવાનું સ્વચ્છ ઇંધણ સરળતાથી અને પરવડે તેવી કિંમતે મળી રહે તેની ખાતરી કરવા માટે 5 કિલોના ફ્રી ટ્રેડ એલપીજી (એફટીએલ) સિલિન્ડરની ઉપલબ્ધતામાં નોંધપાત્ર વધારો કર્યો છે.
એક સક્રિય પગલું લઇને મંત્રાલયે સપ્લાય માટેની અગાઉની ટોચમર્યાદા દૂર કરી દીધી છે અને 7 એપ્રિલથી લાગુ કરીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 5 કિલોના સિલિન્ડરની દૈનિક ફાળવણી બમણી કરી દીધી છે. માર્ચ મહિનાની શરૂઆતના સપ્લાય લેવલને આધારે નક્કી કરવામાં આવેલી આ વધારેલી ફાળવણી, ખાસ કરીને શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં વધતી જતી માંગને સરળતાથી પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવી છે.
સુલભતાને સુધારીને એમઓપીએનજીએ આ સિલિન્ડર મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવી છે. ગ્રાહકો હવે કાયમી સરનામાના પુરાવાની જરૂરિયાત વિના, ફક્ત એક સામાન્ય સ્વ-ઘોષણા આપીને આધાર અથવા પાન કાર્ડ જેવા મૂળભૂત ઓળખપત્રનો ઉપયોગ કરીને 5 કિલોનો સિલિન્ડર મેળવી શકે છે. આ પહેલથી સ્થળાંતર કરનારા શ્રમિકો, રોજમદારો અને વિદ્યાર્થીઓને પોર્ટેબલ, અનુકૂળ અને ઝંઝટ વગરના કૂકિંગ સોલ્યુશનથી ઘણો ફાયદો થવાની અપેક્ષા છે.
મજબૂત માંગ અને છેવાડાના માણસ સુધી અસરકારક રીતે ડીલિવરી કરીને, 23 માર્ચથી 9 એપ્રિલની વચ્ચે સમગ્ર દેશમાં 8.9 લાખથી વધુ 5 કિલોના સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં 7 એપ્રિલના રોજ 1.1 લાખથી વધુ યુનિટ્સનું એક દિવસનું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ નોંધાયું છે.
આ પહેલના પૂરક તરીકે, તેને અપનાવવા અને સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં 1,600થી વધુ જાગૃતિ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારો ઘખઈ સાથે સંકલન કરીને સમાન ઉપલબ્ધતાની ખાતરી કરવા માટે સક્રિયપણે વિતરણનું સંચાલન કરી રહી છે.