રીલાયન્સ જીયો, નેશનલ સ્ટોક એક્સચેંજ સહિતની કંપનીઓના આઇપીઓની રોકાણકારોને પણ રાહ હતી
ઇરાન યુધ્ધના કારણે ભારતીય શેરબજારમાં રોજબરોજના જબરા કડાકા થઇ રહ્યા છે. તેની સાથે હજુ ચાર માસ પહેલા જ ધૂમ મચાવનાર આઇપીઓ માર્કેટ પણ ઠંડુ પડી ગયું છે અને એક અંદાજ મુજબ રૂા.3 લાખ કરોડના આઇપીઓ લાઇનમાં હતા તે તમામ હવે યુધ્ધ પુરું થયા પછી આગામી સમયમાં ભારતીય માર્કેટ ફરી એક વખત ધમધમતું થાય તેની રાહ જોઇ રહ્યા છે. અત્યાર સુધી આ વર્ષમાં 19 કંપનીઓએ આઇપીઓ મારફત નાણાં મેળવ્યા છે પરંતુ સેબી દ્વારા 144 કંપનીઓને આઇપીઓ લાવવાની મંજુરી મળી છે અને તેના માટે કુલ 1.75 કરોડ બજારમાંથી મેળવવા માટેની તૈયારી હતી. જ્યારે વધુ 63 કંપનીઓએ આઇપીઓ માટે સેબી સમક્ષ અરજી કરી છે અને રૂા.1.37 લાખ કરોડની રકમના આઇપીઓ મંજુરીની રાહમાં છે.
આમ કુલ રૂા.3 લાખ કરોડના આઇપીઓ બજાર માટે તૈયાર છે જેમાં મુકેશ અંબાણીની કંપની જીયો ઉપરાંત નેશનલ સ્ટોક એક્સચેંજના આઇપીઓની માર્કેટ પણ રાહ જોતું હતું અને જો યુધ્ધ ન થયું હોત તો આઇપીઓ આવી પણ ગયા હોત.
રીલાયન્સ જીયો અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ લાવવાની તૈયારીમાં હતું પરંતુ તેનેે પણ હાલ થંભી જવું પડ્યું છે અને નેશનલ સ્ટોક એકસચેંજને પણ હવે તેની પ્રક્રિયા ઢીલી કરવી પડી છે.