Jai Hind

ભારતની સોનાની આયાત પાંચ વર્ષની સૌથી નીચી સપાટીએ

પાંચ ટન સોનુ અને આઠ ટન ચાંદી કલીયરન્સના અભાવે કસ્ટમમાં ફસાયુ

બેંકોએ આયાત કરેલ સોનામાં નવા લાયસન્સની રાહ: સરકાર
હાલ સોના-ચાંદીની આયાતમાં બ્રેક મારવા માંગે છે

ભારતીય બેંકો દ્વારા વિદેશમાંથી મંગાવાયેલ સોના અને ચાંદીના કલીયરન્સ લાંબા સમયથી કસ્ટમમાં અટકયા છે અને ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા સરકારની માન્યતા પેન્ડીંગ હોવાથી બેંકોએ હવે સોના-ચાંદીની નવી આયાત બંધ કરી દીધી છે અને હાલ પણ આયાત કરેલ સોના અને ચાંદીનો મોટો જથ્થો કસ્ટમના ગોડાઉનમાં પડયો છે. જો તાત્કાલીક આ અંગે કોઈ નિર્ણય લેવામાં ન આવે તો ભારતમાં સોના અને ચાંદીની અછત પણ ઉભી થઈ શકે છે. ભારત એ દુનિયામાં સોનાનું બીજુ સૌથી મોટુ આયાતકાર દેશ છે અને ચાંદીની આયાતમાં પણ તે બહુ ઝડપથી નંબર ટુ થઈ રહ્યું છે તે સમયે આ પ્રકારની અનિશ્ર્ચિતતા એ પરીસ્થિતિ ભવિષ્યમાં વણસાવે તો આશ્ર્ચર્ય થશે નહી. ખાસ કરીને રૂપિયા પર જે ભારે દબાણ છે તેને હળવુ કરવા હાલ સોના અને ચાંદીની આયાતને બ્રેક લાગી જાય તેવા ઉપાયો સરકારે શરુ કર્યા છે અને તેથી ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ એ બેંકો દ્વારા જે સોના-ચાંદીની આયાત થાય છે તેના કલીયરન્સમાં પણ ધીમી ગતિ અપનાવી છે જેના કારણે અગાઉ આયાત થયેલ પુરવઠો પણ કસ્ટમના ગોડાઉનમાં પડયો છે. સામાન્ય રીતે ડીજીએફટી દ્વારા બેંકોને વાર્ષિક ધોરણે આ પ્રકારના લાયસન્સ અપાય છે. છેલ્લે એપ્રિલ 2025માં જે લાયસન્સ અપાયા હતા તે 31 માર્ચ 2026ના પુરા થઈ ગયા છે અને હવે નવા લાયસન્સની રાહમાં છે. બેંકોએ અગાઉ જ આ અંગે ડીજીએફટીને જાણ કરી હતી અને પાંચ ટન જેટલુ સોનુ કલીયરન્સ વગર કસ્ટમના ગોડાઉનમાં પડયું છે તેથી બેંકોએ નવી આયાતને બ્રેક લગાવી દીધી છે. આ ઉપરાંત આઠ ટન જેટલી ચાંદી પણ કસ્ટમ કલીયરન્સના અભાવે ગોડાઉનમાં પડી છે. ભારતમાં ભાવવધારાના કારણે સોનાની માંગ ઘટીને 710.9 મેટ્રીક ટન થઈ છે જે પાંચ વર્ષની સૌથી નીચી સપાટીએ છે.