સુપ્રિમ કોર્ટનો કડક આદેશ: 60 દિવસમાં જ નિયમોનો અમલ કરવા તાકિદ: 75 દિવસમાં અદાલતને રીપોર્ટ કરવાની સુચના
રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સુરક્ષા વધારવાના ઉદેશ સાથે સર્વોચ્ચ અદાલતે કડક નિયમો અપનાવવાનો આદેશ કર્યો છે. નિયત સ્લોટ સિવાય ભારે વાહનોના પાર્કીંગ પર પ્રતિબંધથી માંડીને જુદા-જુદા નિયમોનું 60 દિવસમાં પાલન કરાવવાનો હુકમ કર્યો છે.
સુપ્રિમ કોર્ટના જસ્ટીસ જે.કે.મહેશ્ર્વરી તથા અતુલ એસ.ચાંદુરકરની બેંચે કડક ચુકાદામાં એવી ગંભીર નોંધ કરી હતી કે ભારતમાં હાઈવે નેટવર્ક માત્ર બે ટકા છે. જયારે અકસ્માતોની 30 ટકા જાનખુવારી હાઈવે પર જ થાય છે. અકસ્માતમાં કોઈપણ એક વ્યક્તિનુ મોત પણ તંત્રની નિષ્ફળતા જ ગણાય છે. બંધારણની કલમ 21 હેઠળ જીવનનો અધિકાર માર્ગ સુરક્ષા સાથે જોડાયેલો હોવાનું દર્શાવીને અદાલતે કહ્યું કે ગેરકાયદે પાર્કીંગ કે બ્લેકસ્પોટ જેવા કારણોથી થતું કોઇપણ મોત તંત્રની નિષ્ફળતા છે. આ કારણોસરના અકસ્માતો અટકાવી શકાય છે. અદાલતે આદેશમાં જણાવ્યું છે કે કોઇપણ કોમર્સીયલ કે ભારે વાહનને ધોરી માર્ગ પર અટકવા કે પાર્ક થયેલા ન હોવા જોઇએ. માત્ર નિર્ધારિત સ્લોટમાં જ પાર્કિંગ હોવાનું જોઇએ એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ તથા જીપીએસ આધારિત ફોટો લઇને પુરાવાના આધારે દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવે. હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા, પરિવહન મંત્રાલય, પોલીસ તથા ટ્રાન્સપોર્ટ વિભાગ 50 દિવસમાં નિયમોનું પાલન શરૂ કરાવે. પેટ્રોલીંગ તથા ઇન્સ્પેક્શનની ખાસ એસઓપી તૈયાર કરવા પણ તાકિદ કરવામાં આવી છે. આ સિવાય મહત્વના આદેશમાં હાઇવે પર માર્ગને અડીને આવતા સ્થળો પર નવા ઢાબા અને નવા કોમર્શિયલ બાંધકામો પર પ્રતિબંધ મુકવા કહ્યું છે એટલું જ નહીં કોઇ અનઅધિકૃત બાંધકામ હોય તો 50 દિવસમાં તોડી પાડવા આદેશ કર્યો છે. હાઇ-વે સેફટી ઝોનમાં હાઇવે ઓથોરીટી કે માર્ગ મકાન વિભાગના કલીયન્સ વિના બાંધકામ પરવાનગી કે લાયસન્સ રીન્યુ નહીં કરવા તાકિદ કરી છે. વર્તમાન તમામ લાયસન્સની 30 દિવસમાં સમીક્ષા કરવા કહેવાયું છે.