વિદેશ પ્રવાસ કરતા ભારતીયો માટે નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત આવકવેરાના દાયરામાં નહીં આવતા કે પાનકાર્ડ નહીં ધરાવતા પ્રવાસીઓ ફોર્મ 157 ભરીને યાત્રા કરી શકશે. અગાઉ ફોર્મ 156 હતું તેના બદલે હવે ફોર્મ 157 ભરવાનું રહેશે.
સરકાર દ્વારા નવો નિયમ લાગૂ કરી દેવાયો છે તેનો ઉદેશ આવકવેરા નહીં ચૂકવવા છતાં વિદેશ પ્રવાસ કરતાં લોકોનો રેકર્ડ રાખવાનો છે. અગાઉના નિયમ હેઠળ ફોર્મ 156 ભરવા માટે પાનકાર્ડ-નંબર અનિવાર્ય હતો અને વિદેશ જતાં પ્રવાસીઓને આ ફોર્મ જમા કરાવવું પડતું હતું.
નવા ફોર્મના આધારે ટેક્સ નહીં ચુકવવા છતાં વિદેશ પ્રવાસ કરતાં લોકો પર વધુ અસરકારક રીતે વોચ રાખી શકાવાનો દાવો છે.
વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, ઝીરો ઇન્કમ ધરાવતા સીનીયર સીટીઝન વગેરેને આ નિયમ લાગૂ પડશે. નિયમિત ટેક્સ રીટર્ન ભરતા અને પાનકાર્ડ ધરાવતા લોકોને આ નિયમ લાગૂ નહીં પડે. આ ફોર્મમાં નામ, સરનામા, પાસપોર્ટ નંબર, પ્રવાસનો હેતૂ તથા વિદેશમાં રોકાવાનો અંદાજીત સમય જેવી વિગતો આપવાની થશે. મહત્વની વાત એ છે કે આ ફોર્મ ઓફલાઇન ધોરણે જ જમા કરાવવાનું રહેશે. અગાઉના ફોર્મ 156ને ઓનલાઇન ભરવાની સુવિધા હતી.