ખાતામાંથી હપ્તો કાપતા પહેલા 24 કલાક અગાઉ ગ્રાહકને જાણ કરવી પડશે
આરબીઆઈએ ઓટો પેમેન્ટ સાથે સંકળાયેલા નવા નિયમો લાગુ કર્યા: ગ્રાહકો પાસેથી કોઈ વધારાનો ચાર્જ નહીં વસુલાય: 15 હજાર રૂપિયા સુધીના પેમેન્ટ પર ઓટીપી નહીં
ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ ઈ-મેન્ડેટ સાથે સંકળાયેલ નવા-દિશા નિર્દેશ મંગળવારથી લાગુ કરી દીધા છે. નવા નિયમો અંતર્ગત હવે કોઈપણ પ્રકારના ઓનલાઈન ઓટો પેમેન્ટ શરૂ કરતા પહેલા ગ્રાહકે એક વાર રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને તેના માટે વધારાનું વેરિફીકેશન કરાવવું પડશે. સાથેસાથે ગ્રાહકના ખાતામાંથી રકમ કાપતા પહેલા સંબંધીત બેન્ક કે સંબંધીત નાણાકીય સંસ્થાનોએ 24 કલાક પહેલા તેની માહિતી આપવી પડશે.નવા નિયમોએ બધા ઓટો પેમેન્ટ જેમકે ઓટીટી સબસ્ક્રીપ્શન, વીમા પ્રીમીયમ, બિલ પેમેન્ટ, ઈએમઆઈ વગેરે પર લાગુ પડશે, જો કાર્ડ, યુપીઆઈ કે પ્રીપેડ માધ્યમોથી કરવામાં આવે છે. આરબીઆઈએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકને એ સુવિધા આપવામાં આવશે કે તે કયારેય પણ ઈ-મેન્ડેટને બદલી શકે કે પુરી રીતે બંધ કરી શકે. આથી ગ્રાહકોને પોતાના ખાતામાંથી કપાતા પૈસા પર વધુ નિયંત્રણ મળશે.
આની અસર સીધી એ કરોડો લોકો પર પડશે, જેમના બેન્ક ખાતામાંથી દર મહીને કોઈને કોઈ રકમ આપોઆપ કપાઈ જતી હતી.
પુરી વિગત આપવી પડશે: સૌથી મહત્વનો ફેરફાર એ છે કે હવે ઓટો પેમેન્ટ પહેલા ઓછામાં ઓછા 24 કલાક પહેલા સૂચના મોકલવી ફરજીયાત રહેશે. આ સૂચનામાં સંબંધીત કંપનીનું નામ, પેમેન્ટની રકમ, તારીખ અને અન્ય જરૂરી વિવરણ સામેલ રહેશે. આથી કોઈપણ પ્રકારની ગરબડની સ્થિતિમાં ગ્રાહક તરત કાર્યવાહી કરી શકશે. જો ગ્રાહક ઈચ્છે તો આ સમયગાળા દરમિયાન એ પેમેન્ટને રોકી પણ શકે છે. જો કે, ફાસ્ટેગ અને નેશનલ કોમન મોબીલીટી કાર્ડના ઓટો રિચાર્જ મામલામાં આ પુર્વ સૂચના જરૂરી નહીં રહે.
15 હજાર રૂપિયા સુધીના પેમેન્ટ પર ઓટીપી નહીં: રકમ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. નવી જોગવાઈ મુજબ હવે રૂા.15000 સુધીના નિયમિત ઓટો ડેબીટ પેમેન્ટ ઓટીપી નાખ્યા વિના પુરુ થઈ શકે છે. પરંતુ એથી વધુ રકમ પર દરેક વખતે ઓટીપીની જરૂરત પડશે, જો કે વીમા પ્રીમીયમ, મ્યુચ્યુઅલ ફંડ રોકાણ અને ક્રેડીટ કાર્ડ બિલ પેમેન્ટ માટે આ સીમા વધારીને એક લાખ રૂપિયા દર લેવડ-દેવડ પર કરાઈ છે.
નવા કાર્ડથી ખુદ જોડાઈ જશે ઓટો પેમેન્ટ: નવા નિયમો અનુસાર હવે જો કોઈ ગ્રાહકનું ક્રેડીટ કે ડેબીટ કાર્ડ બદલી જાય છે કે નવું કાર્ડ ઈશ્યુ થાય છે તો અગાઉથી નકકી કરવામાં આવેલ ઓટો પેમેન્ટ (ઈ-મેન્ડેટ) ઓટોમેટીક નવા કાર્ડ સાથે જોડાઈ જશે. આથી ગ્રાહકોએ વારંવાર સેટીંગ બદલવાની જરૂર નહીં પડે. આથી વીમા પ્રીમીયમ, ઈએમઆઈ કે અન્ય નિયમિત પેમેન્ટ રૂકાવટ વિના ચાલુ રહેશે.ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ નહીં: આરબીઆઈએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ઈ-મેન્ડેટ સુવિધાના ઉપયોગ પર ગ્રાહકો પાસેથી કોઈ વધારાનો ચાર્જ નહીં લેવામાં આવે. સાથે સાથે કોઈપણ વિવાદ કે ખોટા લેવડ-દેવડની સ્થિતિમાં ફરિયાદ દાખલ કરવા અને સમાધાન માટે ઉચીત વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે.યુપીઆઈ એપમાં આવી રીતે જોઈ શકાય છે ઓટો-પે મેન્ડેટ: આપનું યુપીઆઈ એપ ખોલો ઉપર આપવામાં આવેલ પ્રોફાઈલ કે સેટીંગ્સ પર જાઓ. ત્યાં ઓટો-પે, મેન્ડેટનો વિકલ્પ પસંદ કરો. હવે આપને બધી સક્રીય અને સમાપ્ત અનુમતીઓ દેખાશે. અહીં આપ જોઈ શકશો કે કઈ કંપની કે સેવાઓને પૈસા જઈ રહ્યા છે, કેટલી રકમ કપાઈ રહી છે, કેટલા સમય સુધી કપાશે અને આગામી કપાત કયારે થશે.